
જૂનાગઢ, 26 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે રાજ્યના સૌથી અને દેશના બીજા સૌથી જુના એવા સક્કરબાગ વન્યપ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હતી, આ દરમિયાન તેમણે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના રખરખાવ, તેમના આરોગ્યની કાળજી ઉપરાંત પ્રવાસીઓ માટે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ સંદર્ભમાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે, દેશના ગૌરવરૂપ એવા સક્કરબાગ વન્યપ્રાણી સંગ્રહાલયના વિકાસ અને તેમાં જરૂરી સુધારા વધારા માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો છે. આ સમૃદ્ધ વન્યપ્રાણી સંગ્રહાલયની વર્ષે ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ- લોકો મુલાકાત લે છે અને વન્યસંપદા વાઇલ્ડ લાઇફ અને જીવ સૃષ્ટિની જાણકારી મેળવે છે, એ વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ વન્ય સૃષ્ટિ સહ અસ્તિત્વની એટલે કે એકબીજા સાથે રહીને જીવી શકાય તેની પણ શીખ આપે છે. વન વિભાગ તેના માટે પૂરી સજ્જતાથી કામ કરી રહ્યો છે.
વન અને પર્યાવરણ મંત્રીએ સમગ્ર વન્યપ્રાણી સંગ્રહાલય અને અહીં આવેલી જંગલ સફારી મુલાકાત કરી હતી, પ્રાણીઓ અને પક્ષીઓના રહેણાંક માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત વન વિભાગના અધિકારીઓ પાસેથી વન્યપ્રાણીઓ વિશેષતાઓની જાણકારી મેળવવાની સાથે અને સંરક્ષણ સંદર્ભે જરૂરી ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, એસીએફ નીરવ મકવાણા સાથે રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ