


ગાંધીનગર, 26 ડિસેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુવા બાબતોના મંત્રી મનસુખભાઈ માંડવીયા અધ્યક્ષ સ્થાને પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સમાપન સમારોહમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ૨૦૩૬ ને ધ્યાન રાખી ભારત સરકારની ૨૫૦૦૦ જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમ છે, આ માટે ભારત સરકાર જરૂરી રોડમેપ બનાવવામાં આવ્યો છે સાથે જ ખેલાડીઓના કૌશલ્યો વધુ નિખારે તે માટે સ્પોર્ટ્સ ટેકનોલોજીના ઉપયોગ, કોચિંગ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
જૂનાગઢ ખાતેના સરદાર પટેલ સંકુલ ખાતે આયોજિત આ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને દેશભરમાં જુદા જુદા સ્થળોએ સંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બનેલા રમતવીરો સાથે સંવાદ સાધી, ખેલના મેદાનમાં ભારતનો પરચમ લહેરાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી, તેમણે રમત ગમતના સંદર્ભમાં યુવા નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ પણ વાત કરી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, રમત રમતના ક્ષેત્રમાં કોઈપણ ખેલાડી વિજેતા બને છે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારતનો તિરંગો ફહેરાવે ત્યારે તે ગૌરવ માત્ર ખેલાડી પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ભારતના ૧૪૦ કરોડ લોકો ગૌરવ અનુભવે છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી જન પ્રતિનિધિઓને સીધું રમતવીરો અને યુવાનો સાથે જોડાવાનો અવસર મળ્યો છે, પોરબંદર લોકસભા હેઠળના ૭ વિધાનસભા ક્ષેત્રોના ૧૨ થી ૮૨ વર્ષના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક જુદી જુદી રમતોમાં સહભાગી બની ખેલ સંસ્કૃતિને આગળ વધારી છે. આ સાંસદ ખેલ મહોત્સવમાં ૩૮૦૦૦ જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું.
ખેલ દ્વારા સંસ્કારોનું પણ સિંચન થાય છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસવાની સાથે રમત હાર પચાવતા પણ શીખવે છે. રમતના મેદાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મેરીટના ધોરણે વિજેતા બને છે.
તેમણે કહ્યું કે, ખાસ ગ્રામીણ વિસ્તારમાં ખડતલ, મહેનતુ અને મજબૂત બાંધાના લોકો હોવાથી ખેલના મેદાનમાં પંચમ લહેરાવવાની પૂર્ણ ક્ષમતાઓ રહેલી છે, તેને સાંસદ ખેલ મહોત્સવ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન ખેલાડીઓના કૌશલ્યોના નિરીક્ષણ માટે સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, જે કૌશલ્યવાન ખેલાડીઓની નોંધ કરી તેમને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે ભારત સરકાર પૂરતી સહાય અને સુવિધાઓ આપશે.
કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું શાબ્દિક સ્વાગત કરી વર્ચ્યુઅલ કાર્યક્રમનું સંચાલન કરતા કહ્યું હતું કે, ખેલ વિકલ્પ નથી પણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે, સમગ્ર ભારતમાં ૨૯૦ સાંસદોએ ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું, તેમાં એક કરોડથી વધુ પ્રતિભાગીઓ જોડાયા હતા. સાથે જ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મૂવમેન્ટ બની છે. તેમ જણાવ્યું હતું.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રમત રોજબરોજના જીવનનો અભિન્ન ભાગ બને તેવો સંકલ્પ લેવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, શરીરને જેટલી ઊંઘ અને આરામની જરૂર છે, તેટલા જ શ્રમ અને પરસેવો પાડવાની પણ જરૂરિયાત છે, મેદાનમાં રમતો રમવાથી જરૂરથી સ્વાસ્થ્ય સારું બને છે. તેમણે એમ પણ કહ્યું કે, સાંસદ ખેલ મહોત્સવ વગેરે અભિયાન દ્વારા રમત ગમત માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું થયું છે. ખાસ અહીંના સશક્ત અને મહેનતુ લોકોમાં રમત ગમતના ક્ષેત્રે આગળ વધી શકે તે માટે પૂરી ક્ષમતા રહેલી છે.
કેન્દ્રીય મંત્રીના હસ્તે સાંસદ ખેલ મહોત્સવના વિજેતા ખેલાડીઓ અને ટીમોને પ્રમાણપત્ર ટ્રોફી અને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા ખેલાડી કુ. પ્રિયંકાબેન ગોસ્વામીની વિશેષ પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ