
પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર પોલીસને 25 ડિસેમ્બરના રોજ રાત્રે બાતમી મળી હતી કે પાલનપુર તરફથી એક આઈશર ટ્રક (નં. GJ-08-AW-4227) ગેરરીતે પશુઓ ભરેલી હાલતમાં સિદ્ધપુર તરફ આવી રહી છે. બાતમીના આધારે પોલીસે સરસ્વતી નદીના બ્રીજ નજીક બિંદુ સરોવર તરફના છેડે વોચ ગોઠવી ટ્રકને રોકી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાંથી ડ્રાઈવર નાશીરખાન મોગલ અને સાથી પીરખાન બલોચ મળી આવ્યા હતા. ટ્રકના પાછળના ભાગે ઘાસચારો કે પાણી વગર અત્યંત ક્રૂર રીતે દોરડાંથી બાંધેલી હાલતમાં 12 ભેંસો મળી આવી હતી, જેને ખીચોખીચ ભરવામાં આવી હોવાથી તેમના જીવ જોખમમાં હતા. પોલીસે રૂ.1,20,000 કિંમતની 12 ભેંસો અને રૂ.5,00,000 કિંમતની આઈશર ટ્રક મળી કુલ રૂ.6,20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બંને આરોપીઓ સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.ટી. ગઢવી દ્વારા હાથ ધરાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ