
સુરત, 26 ડિસેમ્બર (હિ.સ.) : સુરત શહેરમાં ફરી એકવાર ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોની અવગણનાએ જીવલેણ પરિણામ લાવ્યાં છે. પુણાગામ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી KTM સ્પોર્ટ્સ બાઈકનો ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બે મિત્રોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, રંગઅવધૂત સોસાયટીથી રેશમા ચાર રસ્તા તરફ જતા માર્ગ પર બે યુવાનો KTM સ્પોર્ટ્સ બાઈક પર જઈ રહ્યા હતા. બાઈક અત્યંત ઝડપે ચલાવવામાં આવી રહી હતી અને પ્રતિબંધિત બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિવનગર સોસાયટી નજીક પહોંચતાં બાઈકચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાની શંકા છે, જેના કારણે બાઈક રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ. અકસ્માતની તીવ્રતા એટલી ભારે હતી કે બંને યુવકો રોડ પર ફેંકાઈ ગયા. ગંભીર ઈજાઓને કારણે બાઈકચાલક અને તેના મિત્રનું ઘટનાસ્થળે જ મોત થયું. ક્ષણિક રોમાંચ અને નિયમભંગે આ દુર્ઘટનાને આમંત્રણ આપ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
બનાવની જાણ થતાં આસપાસ લોકો એકઠાં થયા હતા. તરત જ પુના પોલીસ સ્ટેશનનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક યુવાનોની ઓળખ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે