
સુરત, 26 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં લાંબા સમયથી ચાલતા દેશી દારૂના અડ્ડાથી કંટાળેલી સ્થાનિક મહિલાઓએ પોલીસની રાહ ન જોતા જાતે જ મોરચો સંભાળ્યો હતો. રહેણાંક વિસ્તારમાં દારૂના વેચાણ અને અસામાજિક તત્વોની અવરજવરથી યુવતીઓની સુરક્ષા જોખમાઈ રહી હોવાથી મહિલાઓએ એકજૂટ થઈ ‘જનતા રેડ’ કરી હતી.
મહિલાઓ જ્યારે અડ્ડો બંધ કરાવવા સમજાવવા ગઈ ત્યારે બુટલેગરે ઉદ્ધતાઈથી “તમને શું નડે છે?” કહી જવાબ આપ્યો હતો. આ શબ્દોએ મહિલાઓનો સંયમ તોડી નાખ્યો. ગુસ્સે ભરાયેલું ટોળું અડ્ડાની અંદર ઘૂસી ગયું અને ટબમાં ભરેલા દેશી દારૂના પોટલાં રસ્તા પર ફેંકી દઈ દારૂનો નાશ કર્યો હતો. રાત્રિના સમયે ગ્રાહકોની અવરજવર વચ્ચે થયેલી આ કાર્યવાહીથી દારૂ વેચનારાઓ અને પીનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓના આક્રમક અને નિર્ભય વલણ સામે બુટલેગરો ટકી શક્યા નહોતા.
આ ઘટનાનું સૌથી પ્રેરણાદાયી દ્રશ્ય એ હતું કે એક મહિલા પોતાના માસૂમ બાળકને કાખમાં લઈ આ જનતા રેડમાં જોડાઈ હતી. આ દ્રશ્ય મહિલાઓની હિંમત અને પોતાના પરિવારના ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવતું હતું. જનતા રેડની જાણ થતાં પાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકોએ પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દારૂના અડ્ડા અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં અંતે મહિલાઓને જાતે જ પગલું ભરવું પડ્યું.
આ ઘટના બાદ વિસ્તારમાં ચર્ચા જાગી છે કે જો સમયસર કાર્યવાહી કરવામાં આવે તો મહિલાઓને રસ્તા પર ઉતરવાની ફરજ ન પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે