
જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : 'ખેડૂતે પરસેવો પાડીને મગફળી પકવી, સરકારી કેન્દ્ર પર લાઈનોમાં ઉભા રહીને માલ આપ્યો, પણ જ્યારે પૈસાની જરૂર પડી ત્યારે સરકાર ટેકનિકલ કારણો આગળ ધરીને ખેડૂતોને ધક્કે ચડાવે છે' આ શબ્દો છે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાના, જેમણે જામજોધપુર અને લાલપુર તાલુકાના ખેડૂતોના અટવાયેલા પેમેન્ટ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે.
સરકારે આ વર્ષે મગફળીનો ભાવ ₹7,263 પ્રતિ ક્વિન્ટલ (એટલે કે 20 કિલોના ₹1,452) જાહેર કર્યો હતો. ખેડૂતોએ ખુશ થઈને સરકારી ખરીદી કેન્દ્રો પર પોતાની મગફળી વેચી દીધી. પરંતુ જામજોધપુર અને લાલપુર તાલુકાના 900 જેટલા ખેડૂતો એવા છે જેમને માલ વેચ્યાને ઘણો સમય થયો હોવા છતાં તેમના બેંક ખાતામાં એક રૂપિયો પણ જમા થયો નથી. જ્યારે ખેડૂતો પૂછવા જાય છે ત્યારે તેમને એવું કહેવામાં આવે છે કે તમારા આધાર કાર્ડ કે બેંક ખાતામાં ભૂલ છે, અથવા ’લોટ આઈડી વેરિફિકેશન બાકી' છે.
ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું છે કે, ખેડૂતોએ મગફળી વેચીને જે પૈસા આવવાના હતા. તેના ભરોસે રવિ પાક માટે જીરું, ધાણા અને ચણાના બિયારણ તેમજ ખાતર ખરીદ્યા હતા. ઓગસ્ટ-સપ્ટેમ્બરના ભારે વરસાદે પહેલેથી જ ખેડૂતોની કમર તોડી નાખી હતી. હવે જ્યારે ખેતરમાં નવો પાક નાખવાનો સમય છે, ત્યારે હાથમાં પૈસા ન હોવાથી ખેડૂતોએ સાહુકારો પાસેથી ઉંચા વ્યાજે નાણાં લેવા પડે છે.
હેમંત ખવાએ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને આક્રોશ સાથે પૂછ્યું છે કે, જો ખેડૂતે માલ સાચો આપ્યો હોય, રસીદ સાચી હોય, તો પછી તમારા કોમ્પ્યુટરની ભૂલની સજા ખેડૂત કેમ ભોગવે? ધારાસભ્યએ માંગણી કરી છે કે ખેડૂતોના બાકી રહેલા પેમેન્ટના ચુકવણા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt