
આંકડા અને વિદેશી દારૂના કેસમાં બે ઇસમો સામે ગુનો નોંધાયો
નલધરી ગામે આંકડાનો જુગાર રમાડતો ખીલાવાળો ઝડપાયો
ચંદેરીયા ગામે વેચાણ માટે રાખેલ વિદેશી દારૂના ગુના હેઠળ એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો
ભરૂચ 28 ડિસેમ્બર (હિ.સ.)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આંકફરકના આંકડાનો જુગાર અને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાવાની બે અલગઅલગ ઘટનાઓમાં પોલીસે કુલ બે ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો.
વાલિયા પીઆઇ એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે નલધરી ગામના માતાજી ફળિયામાં રહેતો રવિયા વસાવા તેના ઘરે આંકફરકના આંકડા લખીને હારજીતનો જુગાર રમાડે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે રેઇડ કરીને રવિયા વસાવા રહે.ગામ નલધરી તા.વાલિયાનાને આંકડા લખેલ કાગળ,બોલપેન તેમજ રોકડ રૂપિયા 1220 સાથે ઝડપી લઇને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અન્ય ઘટના મુજબ વાલિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રેઇડ કરીને ચંદેરીયા ગામના પટેલ ફળિયામાં એક ઘરના પાછળના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 60 નંગ બોટલો કિંમત રૂપિયા 15 હજારની કબ્જે લીધી હતી અને આ ગુના હેઠળ પોતાના ઘરના પાછળના ભાગે દારૂનો જથ્થો સંતાડી રાખી પોલીસની રેઇડ સમયે ઘરે હાજર નહિ મળનાર સાજન વસાવા રહે.પટેલ ફળિયું ચંદેરીયા તા.વાલિયાનાને વોન્ટેડ જાહેર કરી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ