


પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની શ્રીસ્થળ ઇંગ્લિશ સ્કૂલ ખાતે શનિવારની રાત્રીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના દીપ પ્રાગટ્ય સાથે થયો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને આકર્ષક બનાવ્યો હતો. સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય અમિતભાઈ સોનીએ વર્ષ 2024-25નો વાર્ષિક અહેવાલ રજૂ કરી શાળાની શૈક્ષણિક અને સર્વાંગી પ્રગતિની રૂપરેખા આપી હતી. તેમણે શાળાના ભવિષ્યના આયોજન વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.
આચાર્યએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે આગામી શૈક્ષણિક વર્ષથી શાળામાં ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ તેમજ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં યોગાંજલી કેળવણી મંડળના સેક્રેટરી જિજ્ઞાબેન દવે, મેનેજિંગ ટ્રસ્ટી અજિતભાઈ ડી. ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ