
અમરેલી, 28 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ફરી એકવાર ગીરના સિંહોની હાજરીએ સૌને ચકિત કરી દીધા છે. ગીરના કાંઠા વિસ્તાર તરીકે ઓળખાતા ધારીના વાઘવડી ગામ પાસે રાત્રિના સમયે શિકારની શોધમાં એકસાથે એક-બે નહીં પરંતુ પૂરા ૧૫ સિંહોનું વિશાળ ટોળું લટાર મારતું નજરે પડ્યું હતું. આ દુર્લભ દ્રશ્યો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
રાત્રિના શાંત માહોલમાં અચાનક સિંહોના આ કાફલાને જોઈને સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સિંહો નિર્ભયતાપૂર્વક ગામની સીમ નજીક ફરતા જોવા મળ્યા હતા, જે ગીર બહાર પણ સિંહોની વધતી સંખ્યા અને વિસ્તરતા વિસ્તાર તરફ ઈશારો કરે છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ગીર અને આસપાસના કાંઠા વિસ્તારોમાં સિંહોની વસ્તી વધતા તેઓ શિકારની શોધમાં રાત્રિના સમયે બહાર નીકળતા જોવા મળે છે. જોકે, વન વિભાગે ગ્રામજનોને રાત્રે અવરજવર કરતી વખતે સાવચેત રહેવા અને સિંહો દેખાય તો તાત્કાલિક માહિતી આપવા અપીલ કરી છે.
આ ઘટનાથી એક તરફ લોકોમાં કુતુહલ અને ગૌરવની લાગણી છે, તો બીજી તરફ સુરક્ષાને લઈને ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai