ગુજરાત ભાજપની સંગઠન રચનામાં મોટો ફેરફાર: અરવિંદ પટેલ ઉપપ્રમુખ, સોનલ સોલંકી પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત
વલસાડ, 28 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નવી સંગઠન ટીમની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ શનિવારે મોડી રાત્રે જાહેર કરાયેલી આ યાદીમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અનુભવી અને પ્રતિનિધિત્વ ધર
Valsad


વલસાડ, 28 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નવી સંગઠન ટીમની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ શનિવારે મોડી રાત્રે જાહેર કરાયેલી આ યાદીમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અનુભવી અને પ્રતિનિધિત્વ ધરાવતા નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

નવી ટીમમાં કુલ 10 પ્રદેશ ઉપપ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. જ્યારે વિવિધ મોરચાઓ માટે પણ પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરાઈ છે, જેમાં કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા તેમજ એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાનો સમાવેશ થાય છે.

આ સંગઠન રચનામાં જ્ઞાતિ અને સામાજિક સમીકરણને વિશેષ મહત્વ અપાયું છે. ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી અને ઓબીસી સમાજના પ્રતિનિધિઓને ઉપપ્રમુખ સહિતના પદો પર સ્થાન આપીને 2026ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સર્વસમાવેશક રણનીતિ અપનાવવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લાને ખાસ મહત્વ આપતા નિર્ણયરૂપે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા CWCના ભૂતપૂર્વ ચેરપર્સન સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આ નવી નિમણૂકો બાદ વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, અને સંગઠન સ્તરે વધુ સક્રિયતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande