
પોરબંદર, 28 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરમા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા છેલ્લા 24 વર્ષથી સતત નેશનલ સી સ્વિમિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે આ આયોજન વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોતાના ૨૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને આ વર્ષે સ્પર્ધા સિલ્વર જ્યુબ્લી વર્ષ” તરીકે ઉજવવામાં આવશે જેને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સંસ્થાન પ્રમુખ અને ચેરમેન સહિતના હોદેદારોએ સ્પર્ધાને લઈ માહિતી આપી હતી.
આ ભવ્ય નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન તારીખ 3 અને 4 જાન્યુઆરી, 2026 (શનિવાર-રવિવાર)ના રોજ પોરબંદરના દરિયા કિનારે યોજાશે. દેશના 16 રાજ્યોમાંથી સૈકડો અનુભવી અને યુવા તરવૈયાઓ પોરબંદર આવશે અને ખુલ્લા દરિયામાં પોતાની શક્તિ, સાહસ અને સંયમનો પરિચય આપશે. સ્પર્ધા 1 કી.મી., 2 કી.મી., 5 કી.મી., 10 કી.મી. તથા 15 કી.મી. અંતરની રહેશે, જેમાં 6 વર્ષના બાળકોથી લઈને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સુધીના ભાઈઓ અને બહેનો ભાગ લેશે. ખાસ વાત એ છે કે દિવ્યાંગ (પેરા સ્વિમર) માટે પણ અલગ સ્પર્ધા યોજાઈ રહી છે, જે સમાન અવસર અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. આ વર્ષથી 15 કી.મી.ની લાંબી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. જેને પુરી કરવા માટે 7.50 કલાકનો કટઓફ સમય રાખવામાં આવ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીઓની સંખ્યા નોંધપાત્ર છે. 1 કી.મી.માં કુલ 905, 2 કી.મી.માં 214, ૫ કી.મી. માં 141, 10 કી.મી.માં 50 અને 15 કી.મી.માં 39 સ્પર્ધકો પોતાની ક્ષમતા અજમાવશે, જ્યારે 1 અને 5 કી.મી.માં દિવ્યાંગ કેટેગરીમાં કુલ 69 સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.
રજીસ્ટ્રેશનની સંખ્યા વધી શકે છે કારણ કે સ્પોટ રજીસ્ટ્રેશન પણ ચાલુ રહેશે. ખુલ્લા દરિયામાં યોજાતી આ સ્પર્ધા સંપૂર્ણ સુરક્ષિત બને તે માટે ઇન્ડિયન નેવી, ઈન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર માછીમારી સમાજ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ રામ સી સ્વિમિંગ ક્લબની બોટો દ્વારા વિશાળ રેસ્ક્યુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રીંગ બોય, લાઇફ જેકેટ, બોટ્સ ઉપરાંત ક્લબ દ્વારા 15 જેટલી કયાક દ્વારા સતત નજર રાખવામાં આવશે. ખાસ નોંધનીય બાબત એ છે કે રાજકોટના 05 જેટલા કેન્સર વોરિયર્સ કયાક દ્વારા રેસ્ક્યુ સેવા આપી આ સ્પર્ધાને પ્રેરણાદાયક બનાવશે.સ્પર્ધા દરમિયાન આરોગ્ય સલામતી માટે સિવિલ હોસ્પિટલ, પોરબંદર, આરોગ્ય વિભાગ, 108 એમ્બ્યુલન્સ સેવા સાથે સાથે ડો. કમલ મહેતા, ડો. કે. એમ. ગરેજા, ડો. રામ ઓડેદરા, ડો. ઉર્વિશ મલકાણ, ડો. નીરલ કોટક તથા અન્ય ડોકટર્સ તેમની મેડીકલ ટીમો સાથે સતત ઉપસ્થિત રહેશે. ખેલાડીઓ માટે સ્ટ્રેચિંગ અને રિકવરી માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વોલન્ટિયર્સ પણ સેવા આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya