
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના સંતોકબા હોલ ખાતે જિલ્લા સહકારી સંઘ, કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ અને પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનો મુખ્ય હેતુ પાટણ જિલ્લાના સહકારી આગેવાનો અને કાર્યકરોને સહકાર ક્ષેત્રના બદલાતા પ્રવાહો, આધુનિક સુધારાઓ અને વ્યવસાયિક તકો અંગે માહિતગાર કરવાનો હતો.
કેન્દ્રીય સહકાર મંત્રાલયના નવા સુધારાઓ મુજબ સેવા સહકારી મંડળીઓ હવે કોલ્ડ સ્ટોરેજ, ગ્રામ્ય મોલ, પેટ્રોલ પંપ તથા વિવિધ ખાદ્ય વસ્તુઓના વેચાણ જેવા વ્યવસાયો સાથે જોડાઈ શકે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
ટેકનિકલ સત્રમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગના સચિવ સુનિલ ચૌધરી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના પૂર્વ CEO મનકોડીએ વહીવટી પારદર્શિતા, નવા નિયમો અને કાયદાકીય જટિલતાઓ દૂર કરવા વિષે માહિતી આપી.
કાર્યક્રમમાં હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પાટણ APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સહકારી કાર્યકરો હાજર રહ્યા હતા. સમગ્ર આયોજનનો ઉદ્દેશ્ય સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ