
નવસારી, 28 ડિસેમ્બર (હિ.સ.) : નવસારી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાને કારણે વિવાદ ઊભો થયો છે. શહેરના અંદાજે 2500થી 3000 રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ બસ સેવાથી તેમની આવકમાં ભારે ઘટાડો થયો છે અને અનેક પરિવારોની રોજીરોટી જોખમમાં મુકાઈ ગઈ છે.
રિક્ષા એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, અગાઉ દિવસના 400થી 500 રૂપિયા કમાવનાર રિક્ષા ચાલકો હવે માત્ર 150થી 200 રૂપિયાની આવક પર જીવવું પડી રહ્યું છે. આ સ્થિતિને કારણે ઘરભાડું, લોનના હપ્તા અને બાળકોની શાળા ફી ભરવી મુશ્કેલ બનતી જઈ રહી છે.
એસોસિએશનના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સિટી બસ સેવાનો વિરોધ કરતા નથી, પરંતુ તેના નિયમિત સંચાલન અને ન્યાયસંગત નિયમો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ છે કે બસનું લઘુત્તમ ભાડું રૂ.10 નક્કી કરવામાં આવે તેમજ બસો માત્ર નિર્ધારિત સ્ટોપ પર જ ઉભી રહે.
રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે બસો ગમે ત્યાં રોકાતી હોવાથી મુસાફરો રિક્ષા લેવા ટાળે છે અને ટ્રાફિક સમસ્યા પણ વધે છે. બીજી તરફ, રિક્ષાઓને થોડું પણ ટ્રાફિકમાં અવરોધ સર્જાય તો કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે બસો સામે કોઈ પગલા લેવામાં આવતા નથી.
રિક્ષા ચાલકોનું કહેવું છે કે જો વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય મધ્યસ્થી નહીં કરવામાં આવે, તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે