
અમરેલી, 28 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના વીજપડી ગામે 22 વર્ષીય યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટનાને લઈને મૃતકના પિયર પક્ષે સાસરીયાઓ સામે ગંભીર આક્ષેપો કરતાં મામલો વધુ ગૂંચવાયો છે.
મૃતકની ઓળખ તેજલ હિતેશ ચારોલીયા (ઉ.વ. ૨૨) તરીકે કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવતીના પિયર પક્ષનો આક્ષેપ છે કે તેજલને સાસરીયાઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ ઘટનાને અકસ્માત કે આત્મહત્યા તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ પિયર પક્ષના નિવેદન અને રજૂઆતોના આધારે તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને લઈને વીજપડી ગામમાં શોક અને તણાવની લાગણી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai