
- વિજેતાઓને મળશે આકર્ષક ઇનામો
નવસારી, 28 ડિસેમ્બર (હિ.સ.) : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે યોજાનાર આ મહોત્સવ 10 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જેમાં પતંગરસિયાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણનો ઉત્સાહ હંમેશા અનોખો રહ્યો છે. આ પરંપરાને નવી ઓળખ આપવાના હેતુથી મહાનગરપાલિકાએ આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જેથી શહેરની સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બને. મહોત્સવ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોથી ઝળહળતું જોવા મળશે એવી અપેક્ષા છે.
કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈચ્છુક પતંગબાજો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. શહેરના નાગરિકો નિયત કરેલી લિંક મારફતે સરળતાથી પોતાનું નામ નોંધાવી શકશે.
આ ફેસ્ટિવલમાં માત્ર પતંગ ચગાવવાની મજા જ નહીં, પરંતુ પોતાની અનોખી કળા અને સર્જનાત્મકતા દર્શાવનાર પતંગબાજોને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધાત્મક આયોજન પણ કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ-3 વિજેતાઓને આકર્ષક ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે.
ઉતરાયણના ઉત્સવપ્રિય માહોલને ધ્યાનમાં લઈએ તો, નવસારીનો આ પ્રથમ કાઈટ ફેસ્ટિવલ સ્થાનિક નાગરિકો ઉપરાંત પ્રવાસીઓ માટે પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે એવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે