
સુરત, 3 ડિસેમ્બર (હિ.સ.) સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર-2 વિસ્તારમાં અસામાજિક તત્વો અને બેફામ બુટલેગરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હોવાનું ચોંકાવનારા બનાવમાં સામે આવ્યું છે. નશાની હાલતમાં ગાળો આપતા તત્વોને રોકવા જતા એક પરિવારના ઘરે 15થી 20 જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.
ચિંતાજનક વાત એ છે કે જ્યાં આ ઘટના થઈ ત્યાં પાસે જ આંગણવાડી અને મંદિર આવેલ છે, છતાંય લિંબાયત પોલીસની ગેરહાજરી અને નિષ્ક્રિય કામગીરીને કારણે આવા તત્વો બેફામ બન્યા છે.
“સવારે કોન્ડમના પેકેટ અને દારૂની બોટલો મળે છે”— આંગણવાડી બહેનનો ગંભીર આક્ષેપ
આંગણવાડીમાં કાર્યરત બહેને ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે વિસ્તારમાં રોજ સવારે કોન્ડમના પેકેટ, દારૂની ખાલી બોટલો અને શરમજનક વસ્તુઓ મળી આવે છે. જેને કારણે મહિલા સ્ટાફ અને બાળકોમાં ડરનો માહોલ છે. પોલીસની બેદરકારીને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે.
ફરિયાદી ચેતન રાજપૂતએ જણાવ્યું કે તેમના ઘરની પાસે અસામાજિક તત્વો દારૂ પીતા અને ગાળો આપતા હતા. ઘરમાં મહિલાઓ હોવાથી તેઓએ તેમને રોકવા ગયા.
તેમણે કહ્યું:“હું શરાબ ન પીવા અને ગાળો ન આપવા માટે કહ્યું તો મને જ ગાળો આપવાનું શરૂ કર્યું. પરિવારજનો મને ઘરની અંદર લઈ ગયા, પરંતુ થોડી જ વારમાં 15–20 લોકોની ટોળકી આવી અને અમારા ઘરની સામે પથ્થરમારો શરૂ કરી દીધો.
વિસ્તારમાં બેફામ તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે આંગણવાડીમાં કાર્યરત બહેનો પણ અત્યંત પરેશાન છે.કાર્યકર વૈશાલીબેનના જણાવ્યા મુજબ:આંગણવાડી પાસે જ દારૂ પીવાના અને વેચવાના અડ્ડા ચાલે છે અને
સવારે શરમજનક વસ્તુઓ અને ખાલી બોટલોના ઢગલા મળે છે.પોલીસની કાર્યવાહી ન થતાં તત્વો સતત હિંમતવાન બનતા જાય છે.
સ્પષ્ટ છે કે વિસ્તારમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
આ સમગ્ર મામલે લિંબાયતના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામળિયાએ જણાવ્યું છે કે ઘટના અંગે ફરિયાદ નોંધાઈ ગઈ છે.
રવિ ચોકો સહિત ચાર લોકો સામે તોડફોડ અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.તેમણે વધુમાં કહ્યું કે આરોપી રવિ સામે મારામારીનો ગુનો અગાઉ પણ નોંધાઈ ચૂક્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે