



પોરબંદર, 3 ડિસેમ્બર (હિ.સ.)મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદ દ્વારા કેન્દ્ર સરકારની અગત્યની “બેટી બચાઓ બેટી પઢાવો” યોજનાના અંતર્ગત રાણાવાવ કન્યા શાળા ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓમાં મહિલાલક્ષી કાયદાઓ, સુરક્ષા, સ્વાસ્થ્ય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કિશોરી મેળામાં રાણાવાવ તાલુકાની આંગણવાડીમાં નોંધાયેલ “પૂર્ણાસખી” અને “સહસખી” કિશોરીઓ સહિત આંગણવાડી કામગીરી બહેનો સહીત કુલ 200 થી વધુ લાભાર્થીઓએ સક્રિય ઉપસ્થિતિ દર્શાવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ તથા વિશેષજ્ઞોએ વિષયવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાયબર પોલીસ સ્ટેશન, પોરબંદરના પી.એસ.આઈ. સુમનબા જાડેજાએ વર્તમાન સમયમાં વધતા સાયબર ગુનાઓથી સુરક્ષા મેળવવા અંગે વિગતવાર સમજણ આપી હતી. ગૃહ વિભાગના અધિકારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સેન્ટરની શ્રીમતી હેતલબેન અને 181 અભયમ ટીમે મહિલાઓની સુરક્ષા, કાયદાકીય જોગવાઈઓ અને તાત્કાલિક સહાય મેળવવાની પ્રક્રિયા અંગે માહિતગાર કર્યું હતું.
આરોગ્ય વિભાગના પ્રતિનિધિ કિરણબેને કિશોરીઓના સ્વાસ્થ્ય, પોષણ અને આરોગ્ય જાગૃતિ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ની ટીમે મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરી હતી. ડો. સંધ્યાબેન જોશીએ મહિલા સશક્તિકરણની ભૂમિકા અંગે માહિતી આપી હતી, જ્યારે ચિરાગ દવે (જેન્ડર સ્પેશિયાલિસ્ટ) અને સૌરભભાઇ મારુએ કિશોરીઓને આર્થિક સાક્ષરતા તેમજ જેન્ડર સમાનતા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આઈ.સી.ડી.એસ. રાણાવાવના ઇન-ચાર્જ સીડીપી દક્ષાબેન ખૂટી દ્વારા કિશોરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો સાથે સંકલન કરી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પોષણયુક્ત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે કિશોરીઓમાં પોષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળી હતી.
આ કિશોરી મેળાથી રાણાવાવ તાલુકાની કિશોરીઓ તથા આંગણવાડી કાર્યકર બહેનોમાં જાગૃતિ, સશક્તિકરણ અને આત્મવિશ્વાસ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya