
નવસારી, 3 ડિસેમ્બર (હિ.સ.) : નવસારીના મમતા મંદિર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. 3 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી આ રેલીને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, મમતા મંદિરના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને મંત્રી વિરાટભાઈ કોઠારીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. રેલી પહેલાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એરૂ ચાર રસ્તેથી મમતા મંદિર સુધીનો આ જાગૃતિમય પ્રયાણ સૌનું ધ્યાન ખેંચી ગયું.
રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નિર્મલભાઈ ચૌધરી, ટ્રસ્ટીઓ તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સચિન પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા. બેન્ડ સાથે દિવ્યાંગ બાળકો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં પ્રાથમિક શાળા કૃષિ કેમ્પસ, એરૂ અને સમદીયાના વિદ્યાર્થીઓનું વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.
ઉજવણીના ભાગરૂપે દિવ્યાંગ બાળકો માટે રમતોત્સવ પણ યોજાયો. ‘ખેલે ભી, ખીલે ભી’ ટેગલાઈન અંતર્ગત વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાઓ દર્શાવી. દરેક સ્પર્ધાના વિજેતાઓને પોલીસ અધિક્ષક રાહુલભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ઇનામ અપાઈ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમની ખાસ આકર્ષણરૂપે દિવ્યાંગ બાળકોની શિવતાંડવ રજૂઆત દર્શકોને પ્રભાવિત કરી ગઈ. અંતે મમતા મંદિર પરિવાર દ્વારા સહભાગી બનેલા વિદ્યાશાખાઓ અને સમાજજનનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે