
મહેસાણા,3 ડિસેમ્બર (હિ.સ.)
બેચરાજી : પોલીસ તંત્રની સતત સજાગતા અને ચુસ્ત ગશ્તને કારણે બે વર્ષ જુની ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો છે. બેચરાજી પોલીસે અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના કેસમાં એક આરોપીને કાબૂમાં લીધો છે. તેની પાસે થી ચોરી કરેલી મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે.
વિગત મુજબ, આરોપી બે વર્ષ પહેલા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન તે વાહનનો ઉપયોગ અન્ય વિસ્તારોમાં પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. બેચરાજી પોલીસને ચોક્કસ માહિતી મળતા જ ટીમે સ્થળ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય ચોરીના ભેદ ખુલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે નવરંગપુરા પોલીસ સ્ટેશનને પણ કેસ સંબંધિત વિગતો મોકલવામાં આવી રહી છે જેથી આગળની કાયદેસર કાર્યવાહી ઝડપભેર થઈ શકે.
આ કામગીરીથી પોલીસે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો કેટલા વર્ષો સુધી પણ છુપાઈ જાય, કાયદાના હાથ લાંબા છે અને તેમને કાયદાનો સામનો કરવો જ પડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR