
જામનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા વિકસિત ભારત @2047 ના વિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યના ચાર અલગ-અલગ વિસ્તારોમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સેક્ટર-સ્પેસિફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગિતાને પ્રોત્સાહન આપવાનો છે.
આગામી VGRC–કચ્છ અને સૌરાષ્ટ્ર રીજન કોન્ફરન્સનું આયોજન રાજકોટ ખાતે 8–9 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જામનગર જિલ્લામાંથી વધારેમાં વધારે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તમામ ઉદ્યોગો, MSMEs, એસોસિએશન્સ, સ્ટાર્ટઅપ્સ તથા યુવા ઉદ્યોગકારોને વ્યાપક રીતે જોડાઈ શકે અને વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ શકે તે માટે કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો અને પ્રમુખો તથા હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં B2B, B2G મીટીંગો, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને રીવર્સ બાયર્સ સેલેર્સ મીટ, સ્ટોલ પ્રદર્શન, એમઓયુ, ટ્રેડ શો અને એક્ઝીબીશન, સંસ્કૃતિક પ્રોગ્રામ,વિવિધ વિષયો પર સેમીનાર વગેરે યોજવામાં આવશે. જેમાં જામનગર જિલ્લાના બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના તથા અન્ય ઉદ્યોગકારો ભાગ લે અને https://www.vibrantgujarat.com/registration લીંક પર રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશ્નર ઝાલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર પ્રકાશ પટેલ, ઉદ્યોગકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt