
સુરત, 3 ડિસેમ્બર (હિ.સ.)-સુરતના કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે લેશપટ્ટીની ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં આસપાસના ઉદ્યોગકારો અને કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને લગભગ દોઢ કલાકના ભારે પ્રયત્નો બાદ આગને નિયંત્રણમાં લેવામાં સફળ રહી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેને કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
મળતી માહિતી મુજબ લેશપટ્ટીનો મોટો જથ્થો અને મશીનરી ફેક્ટરીમાં હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી, જેના અનુસંધાને કતારગામ સહિત પાંચ ફાયર સ્ટેશનથી કુલ 10 ગાડીઓ સાથે લશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઘાટો ધુમાડો અને તીવ્ર આગ વચ્ચે સતત પાણીના મારો ચલાવતા ફાયર જવાનોને અગ્નિશામક કામગીરીમાં ભારે મહેનત કરવી પડી હતી. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ જાણવા મળ્યું કે ફેક્ટરીમાં રાખેલો મોટાભાગનો માલ બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે