
ગીર સોમનાથ 3 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીન અને પ્રસિદ્ધ પ્રાચી તીર્થધામમાં વર્ષોથી એક ગંભીર સમસ્યા યથાવત છે — યોગ્ય બસ સ્ટેન્ડનું અભાવ. રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ માટે અનેક યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ પ્રાચી તીર્થધામમાં યાત્રિકો માટેની સૌથી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ નથી, જેના કારણે હજારો ભક્તોને દરરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
યાત્રિકોને બસની રાહ – છાંયો નહીં, પાણી નહીં, બેઠકો નહીં
પ્રાચી તીર્થધામ પિતૃકર્મ, મધવરાય ભગવાનના દર્શન અને પ્રાચીન મોક્ષપીપળા માટે જાણીતું સ્થળ છે. દેશ–વિદેશથી આવતા યાત્રિકોમાં વૃદ્ધો, મહિલાઓ, બીમાર લોકો તથા દૂરના વિસ્તારોમાંથી આવતા ભક્તોનો સમાવેશ થાય છે.
પરંતુ બસ સ્ટેન્ડ ન હોવાથી —
-કલાકો સુધી રસ્તા પર ઊભા રહી બસની રાહ જોવી પડે છે
-વરસાદ કે તડકામાં છાંયાની કોઈ સુવિધા નથી
-પાણી અને બેઠકો જેવી મૂળભૂત સવલતોનો સંપૂર્ણ અભાવ
-અનિચ્છનીય રીતે રોડ પર વાહનો રોકવાની ફરજ
-આ પરિસ્થિતિ યાત્રિકો માટે ગંભીર અસુવિધા સર્જે છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ