
જામનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરીની જામનગર બ્રાન્ચ દ્વારા આજે દરેડ વિસ્તારમાં શિવમ એસ્ટેટ નજીકના એરિયામાં તપાસણી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ચાર કારખાનેદારો દ્વારા ઔદ્યોગિક ગંદુ પાણી છોડવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને ચારેય કારખાનેજારોને નોટિસ આપી તેઓના પ્રદૂષિત પાણીના સેમ્પલો લઈને ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. જામનગરની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશીક કચેરીના અધિકારી જી.બી. ભટ્ટ અને તેઓની ટીમ દ્વારા આજે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ખાસ કરીને શિવમ એસ્ટેટના એરિયામાં ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને કારખાનાઓ માંથી પ્રદૂષિત પ્રવાહી વગેરે છોડવામાં આવે છે કે નહીં, તેની ખાસ ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન જુદા જુદા ચાર કારખાનેદારો દ્વારા પોતાના એકમો માંથી ઔદ્યોગિક ગંદુ પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર બહાર ફેંકવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
દરેડ વિસ્તારમાં જ આવેલી જય મહાદેવ ઇલેક્ટ્રોપ્લેટર્સ, ખોડલ ઇલેક્ટ્રોપ્લેટર્સ, વેવ ઇલેક્ટ્રોપ્લેટર્સ તેમજ એક આનામી કારખાનેદાર કે જેઓ ચારેય દ્વારા પોતાના એકમો માથી કોઈ પણ પ્રકારની પ્રોસેસ, ટ્રીટમેન્ટ વગર ગંદુ પાણી બહાર ફેંકવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના અનુસંધાને ઉપરોક્ત ચારેય કારખાનેદારોને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી ની ટીમ દ્વારા જરૂરી નોટિસ પાઠવી દેવામાં આવી છે, જ્યારે ચારેય કારખાનામાંથી છોડવામાં આવેલા પ્રદૂષિત પ્રવાહીના સેમ્પલ એકત્ર કરીને ચકાસણી માટે ગાંધીનગરમાં આવેલી લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આગામી 10 દિવસમાં તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ની કચેરી દ્વારા આજે ઓચિંતી ચેકિંગની કાર્યવાહીને લઈને દરેડ જીઆઈડીસી સહિતના વિસ્તારના ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt