જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં 'રાષ્ટ્રીય દાંત સફાઈ દિવસ'ની ઉજવણી કરાઈ
- દર્દીઓએ મેળવી મૌખિક સ્વાસ્થ્યની સચોટ માહિતી. જામનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગ દ્વારા રાષ્ટ્રીય દાંત સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઇન્ડિયન એસોસિયેશન ઓફ પ
રાષ્ટ્રીય દાંત સફાઈ દિવસ


- દર્દીઓએ મેળવી મૌખિક સ્વાસ્થ્યની સચોટ માહિતી.

જામનગર, 3 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગ દ્વારા રાષ્ટ્રીય દાંત સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઇન્ડિયન એસોસિયેશન ઓફ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રીના સૂચન અનુસાર જનસમુદાયમાં મોઢાની સ્વચ્છતા અને દાંતની સાચી સંભાળ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

​કાર્યક્રમના સંકલનકર્તા અને વિભાગના નિષ્ણાત ડૉ. રોહિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગના ફેકલ્ટી સભ્યો દ્વારા દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિનું મોડેલની મદદથી જીવંત નિદર્શન રજૂ કરવામાં આવ્યું અને મોઢાની સ્વચ્છતા અંગે જાગૃતિ પ્રવચન આપવામાં આવ્યું હતું.

પ્રવચનમાં તેમણે દાંત અને દાઢની આસપાસ જામતા પ્લેકને દૂર કરવાના રસ્તાઓ, યોગ્ય બ્રશની પસંદગી, દિવસમાં બે વખત દાંત સાફ કરવાની આવશ્યકતા અને પેઢાની સંભાળ વિશે વિગતવાર સમજણ આપી હતી.​મૌખિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય બ્રશિંગ ઉપરાંત અન્ય જીવનશૈલીના પાસાઓ પર પણ ધ્યાન દોરવામાં આવ્યું.

તેમાં સારો આહાર, ખાંડવાળો ખોરાક ટાળવો, તમાકુના દૂષણોથી દૂર રહેવું અને નિયમિતપણે ડેન્ટલ ચેક-અપ કરાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. લોકોમાં હકારાત્મક વલણ વધારવા અને સ્વસ્થ સ્મિતને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ હેલ્ધી સ્માઈલ સેલ્ફી બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું.

​કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લગભગ 100 જેટલા લોકોને ટૂથબ્રશનું વિતરણ કરવામાં આવ્યું. સ્થળ પર પોસ્ટર, બેનર અને હેલ્થ એજ્યુકેશન ચાર્ટનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, તેમજ સામાન્ય લોકોને માહિતીપ્રદ પેમ્ફ્લેટ અને IEC સામગ્રી આપીને દાંતની સંભાળ અંગે માહિતી પહોંચાડવામાં આવી.

સંસ્થાના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ દ્વારા લોકોમાં દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિ અને રોજિંદી મૌખિક સ્વચ્છતા અપનાવવાની પ્રેરણા આપવામાં સફળતા મળી છે. વિભાગના તમામ ફેકલ્ટી સભ્યોના સક્રિય સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande