
નવસારી, 3 ડિસેમ્બર (હિ.સ.)-નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના અરસાણા ગામ નજીક 108 એમ્બ્યુલન્સની ટીમે એક શ્રમિક મહિલાની ડિલિવરી સફળતાપૂર્વક હાથ ધરી. ઉત્તર પ્રદેશથી મજૂરી માટે આવેલી રેફુલબાનુંને પ્રસવવેદના થતા પરિવારજનોએ 108 ને કોલ કર્યો. મુશ્કેલ રસ્તા હોવા છતાં EMT કુલદીપસિંહ રહેવર અને પાઇલોટ અજયભાઈ ગાંવિત ઝડપથી સ્થળે પહોંચી ગયા.
હોસ્પિટલ તરફ લઈ જતાં જ પશ્ચાત રેફુલબાનુંને તીવ્ર પીડા શરૂ થતાં એમ્બ્યુલન્સ રસ્તાની બાજુએ ઊભી કરીને તાત્કાલિક ડિલિવરી કરાવવી પડી. બાળકનો જન્મ થયા પછી તેના ગળામાં નાળ ફસાઈ ગઈ હતી, જેનાથી પરિસ્થિતિ ગંભીર બની. EMT કુલદીપસિંહે ટ્રેનિંગ દરમિયાન શીખવાતી ‘ટુ-ફિંગર મેથડ’નો ઉપયોગ કરીને નાળને સુરક્ષિત રીતે દૂર કરી અને બાદમાં સક્શન કરતા બાળક રડવાનું શરૂ થયું.
માતા અને બાળક બંનેને પ્રાથમિક સારવાર આપી મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં બંનેની તબિયત સ્થિર જણાઈ. પરિવારજનો તેમજ હોસ્પિટલ સ્ટાફે 108 ટીમની કામગીરીની પ્રશંસા કરી. ઘટનાની જાણ થતાં જિલ્લા પ્રોગ્રામ મેનેજર હેમંત સોલંકીએ ટીમને ‘ગુડ જોબ’નું બિરુદ આપી સન્માનિત કર્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે