

અમદાવાદ, 3 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં 'ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન' કાર્યક્રમ યોજાયો હતો. અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલએ અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી નિર્માણ પામનારા અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજસેવા અને અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પારસી સમુદાયના શ્રેષ્ઠીઓને રાજ્યપાલએ 'પારસી રત્ન' એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં રાષ્ટ્રભક્ત એવા પારસી સમુદાયનું બહુ મોટું યોગદાન રહ્યું છે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પોતાનાં ઉત્કૃષ્ટ યોગદાન થકી આ સમુદાયે દેશમાં સતત સન્માન પ્રાપ્ત કર્યું છે.
સફળ વ્યક્તિ કોને કહેવાય એ વિશે વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ' જે વ્યક્તિ બીજાનો બની જાય અથવા બીજાને પોતાનાં બનાવે તેવા વ્યક્તિને સફળ વ્યક્તિ કહેવાય'. દેશમાં પારસી સમુદાયના આગમન સમયે તત્કાલિન મહારાજા જયસિંગના જાણીતા પ્રસંગનો ઉલ્લેખ કરતા રાજ્યપાલએ કહ્યું કે, દૂધમાં સાકર ભળે એમ ભળી જઈને પારસી સમુદાયે દેશના વિકાસમાં મોટુ યોગદાન આપ્યું છે અને અત્યારે પણ સતત દેશના વિકાસમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, અંગ્રેજોના શાસન પછી દેશમાં ગરીબી હતી. એવા કપરાં સમયમાં પારસી સમુદાયે ભારતમાં ઉદ્યોગ, શિક્ષણ, રિસર્ચ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રે સતત પ્રેરણારૂપ કાર્ય કરીને દેશને એક નવી ઉંચાઈએ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ટાટા ગ્રુપે દેશને પહેલી સ્ટીલ ફેક્ટરી, પહેલો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પહેલી આધુનિક હોટલ, રિસર્ચ સંસ્થાન, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી સહિતના અનેકવિધ પ્રકલ્પો આપ્યા છે. કોરોના સમયે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાના સક્રિય પ્રયત્નોના લીધે આપણને ઝડપથી કોરોના વેક્સિન મળી, જેણે દેશ દુનિયાના લોકોનો જીવ બચાવ્યો.
મુંબઈને દેશની આર્થિક રાજધાની બનાવવામાં પારસી સમાજનું મહત્વનું યોગદાન છે એમ તેમણે જણાવીને આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા દાદાભાઈ નવરોજી, 1971ની લડાઈમાં યોગદાન આપનારા ફિલ્ડ માર્શલ શામ માણેકશા, કાર્યક્રમમાં ઉપસ્થિત રિટાયર્ડ બ્રિગેડિયર જહાંગીર અંકલેશ્વરિયા સહિત પારસી સમુદાયના મહાનુભાવોના યોગદાનનું આ તકે રાજ્યપાલએ સ્મરણ કર્યું હતું.
અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામનારા અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમનો ઉલ્લેખ કરતા રાજ્યપાલએ જણાવ્યું કે, આ સિનિયર સિટીઝન હોમ પારસી સમુદાયની સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રસ્તુત કરે છે.
પારસી સમુદાય એ આપણા રાષ્ટ્રની મોટી સંપદા છે તેમ જણાવીને રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પારસી સમુદાય ભલે ઓછી સંખ્યામાં હોય, પણ તેમણે હંમેશા સમાજને ઉત્તમ અને વધુ આપવાનો ભાવ દર્શાવ્યો છે. આ સમુદાય પોતાના બાળકોને સમાજ કલ્યાણ, લોકકલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનું બાલ્યાવસ્થાથી જ શીખવે છે.
પારસી સમુદાયના ધાર્મિક અગ્રણી વડા દસ્તુરજી ખુર્શીદ દસ્તુરે અરુઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પારસી સમુદાય હંમેશા દેશના વિકાસમાં અને સામાજિક કલ્યાણમાં પોતાનું યોગદાન આપતો રહ્યો છે.
અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)ના ફાઉન્ડર ટ્રસ્ટી પીરુઝ ખંભાતાએ સ્વાગતમાં સૌને આવકાર્યા હતા. તેમણે રાજ્યપાલશ્રીને સોશિયલ રિફોર્મર ગણાવતા જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં શરૂ કરાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાન, વૈદિક અભ્યાસ સહિતના અભિયાનો આજે સમાજમાં મોટો બદલાવ લાવી રહ્યા છે. રાજભવનને લોકભવન તરીકે જાહેર કરવાના રાજ્યપાલના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી.
આ સમારોહમાં પારસી સમુદાયના ધાર્મિક અગ્રણી વડા દસ્તુરજીઓ, AKBTના ટ્રસ્ટી પરસીસ અરીઝ ખંભાતા, બિનાઈસા પીરુઝ ખંભાતા તેમજ દેશભરમાંથી પારસી સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ