
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન પક્ષના જ નેતા જાહેર મંચ પર સામસામે આવી જતા રાજકીય ગરમાવો સર્જાયો. સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રઘુ દેસાઈને 2027માં મત આપવાની વાત કરતાં સાંતલપુરના કોંગ્રેસ આગેવાન ભચા આહીરે તેમને રોકતા બંને વચ્ચે જાહેરમાં વિવાદ થયો. અંતે ચંદનજી ઠાકોરે ઊભા રહીને વાતને શાંત કરી.
કિરીટ પટેલે પોતાના ભાષણમાા નામ લીધા વગર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર ટિપ્પણી કરતા કહ્યું કે રાધનપુરની પ્રજાએ “બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળા ધારાસભ્યને લાવ્યા છે”. તેમણે પૂછ્યું કે પ્રજાને “પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવનાર” MLA જોઈએ કે “વરઘોડામાં નાચીને ખુશ કરનાર” જોઈએ.
લવિંગજી ઠાકોરે જવાબ આપતા કહ્યું કે તેઓ નાનપણથી ભજન અને સત્સંગ સાથે જોડાયેલા છે અને ભારતીય સંસ્કૃતિ જાળવવાનું પોતાનું ધર્મ છે. તેમણે કિરીટ પટેલ પર વ્યક્તિગત આક્ષેપ કરતાં કહ્યું કે “કિરીટભાઈ દારૂ પી ને પડ્યા રહે છે, અને ન ખાવાનું ખાય છે”, તેમજ કહ્યું કે “તમે પટેલ છો, તમને આ શોભે નહીં”.
કિરીટ પટેલે પ્રતિક્રિયામાં જણાવ્યું કે જો લવિંગજી પાસે તેમના દારૂ પીધેલા કોઈ વીડિયો હોય તો મોકલે, પરંતુ લવિંગજી “નાચતા” હોવાના ઘણા વીડિયો તો હાજર છે. તેમણે પૂછ્યું કે લવિંગજી કેટલાં સંકલન મીટિંગમાં હાજર રહ્યા અને રાધનપુરના કેટલાં પ્રશ્નોની રજૂઆત કરી? સાથે જ દારૂ–ડ્રગ્સ મુદ્દે આંદોલન કરશો તો પોતે પણ જોડાવાનું કહ્યું.
આ સભામાં અમિત ચાવડા, તુષાર ચૌધરી, જિજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. તેઓએ ખેડૂતોની દેવામાફી, ફિક્સ પે–આઉટસોર્સિંગ પ્રથા, સરકારી ભરતી, મોંઘવારી અને દારૂબંધી વિષે સરકાર સામે પ્રખર સવાલો ઉઠાવ્યા.
કોંગ્રેસની જન આક્રોશ રેલી સોમવારે પાટણ જિલ્લામાં આવી પહોંચી હતી. પાટણ તાલુકા અને પાટણ શહેરમાં અનેક સ્થળોએ કાર્યકરો દ્વારા રેલીનું સ્વાગત થયું. રાત્રે યોજાયેલી સભામાં નેતાઓએ સરકારની નીતિઓ સામે તીખી ટિપ્પણીઓ કરી અને લોકોને સમસ્યાઓ અંગે અવાજ ઊઠાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ