
અમરેલી,3 ડિસેમ્બર (હિ.સ.) માનનીય મુખ્યમંત્રીએ અધ્યક્ષસ્થાને યોજાનાર આંગણવાડી વર્કર અને તેડાગર નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે. આ અનુસંધાને માનનીય મુખ્યમંત્રીના સચિવના અધ્યક્ષસ્થાને જિલ્લા/તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
વિડિયો કોન્ફરન્સ દરમિયાન કાર્યક્રમનું આયોજન, વ્યવસ્થા, લાભાર્થીઓની યાદી, સ્થળ વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ કાર્યક્રમને પરિણામમુખી બનાવવાની દિશામાં પોતાના સૂચનો પણ રજૂ કર્યા હતા.
બેઠકમાં ખાસ કરીને નવા નિમણૂક પામનારા આંગણવાડી વર્કર અને તેડાગરોને સમયસર નિમણૂક પત્ર મળી રહે, ગ્રામ્ય-શહેરી વિસ્તારોના તમામ લાભાર્થીઓ સુધી માહિતી પહોંચે અને રાજ્ય સરકારની મહિલાઓ અને બાળ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય તેવા પ્રયાસો કરવા ભાર મુકાયો હતો.
આ કાર્યક્રમ દ્વારા રાજ્યમાં પોષણ, બાળ સંભાળ, શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણના કાર્યને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR