

પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના કલાકાર યાજ્ઞિક ચૌહાણને થિયેટર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન માટે ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2025’થી સન્માનિત કરવામાં આવ્યા. ભારતમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને કલા સંવર્ધન માટે તેમણે કરેલા કાર્યને માન્યતા આપવા આ સન્માન એનાયત થયું, જે સિદ્ધપુર માટે ગૌરવની વાત છે. અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા સમારંભમાં રાજ્યના કુલ 80 કલા ઉપાસકોને આ એવોર્ડ આપવામાં આવ્યા. લોકસાહિત્ય, પર્યાવરણ, હેરિટેજ, લેખન તથા વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં કાર્યરત તમામ વયના કલા સાધકોની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી હતી.
આ પ્રસંગે હર્ષ સંઘવી સિવાય પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, સાહિત્ય અકાદમીના મહામંત્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના એમ.ડી. રામભાઈ સવાણી તથા અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલભાઈ ઠાકર સહિત અનેક કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ