
મહેસાણા,3 ડિસેમ્બર (હિ.સ.) જોયતીબા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પોલીસ તંત્રની વિવિધ કામગીરી વિશે સીધી જાણકારી મેળવી હતી. પોલીસ સ્ટેશનમાં કાર્યરત અધિકારીઓએ વિદ્યાર્થીઓને રોજિંદા કામકાજની પદ્ધતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
વિદ્યાર્થીઓએ સ્ટેશનની અલગશાખાઓમાં જઈને ત્યાં થતી જવાબદારીઓ વિશે મૂલ્યવાન માહિતીઓ મેળવી હતી. ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ, સાયબર ક્રાઇમની અટકાયત અને જાગૃતતા, ટ્રાફિક નિયમો અને સલામતી, ડાયલ 112 ઈમરજન્સી સેવા સહિતની કામગીરી વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અવસર પર પાસપોર્ટ ફરજિયાત દસ્તાવેજોની ચકાસણી અને સંબંધિત પ્રક્રિયા કેવી રીતે થતી હોય તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ વિભાગની ટેક્નોલોજી આધારિત સેવાઓને નજીકથી ઓળખી અને સમાજ સુરક્ષા માટે પોલીસ તંત્રના સતત પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
આ પ્રકારની મુલાકાત વિદ્યાર્થીઓમાં કાયદા-વ્યૂસ્થા પ્રત્યે જાગૃતિ અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવામાં સહાયરૂપ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR