
મહેસાણા, 3 ડિસેમ્બર (હિ.સ.) પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેંજર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ–2013ના અમલને વધુ મજબૂત બનાવવા જિલ્લાસ્તર તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સફાઈ કામદારોની સુરક્ષા, આરોગ્ય અને સામાજિક પુનર્વસન સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
અધિકારીઓએ સ્પષ્ટ સૂચન કર્યું કે જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતાના કાર્યક્ષેત્રે કામ કરતા સફાઈ કામદારોને યાંત્રિક સાધનો મારફતે કામગીરી કરવા પ્રોત્સાહિત કરે અને સુરક્ષા સાધનો – માસ્ક, ગ્લવ્ઝ, ગમ્બૂટ, ઓક્સિજન માસ્ક, સેફ્ટી કિટ વગેરેની સગવડ ફરજિયાત પહોંચાડે. માનવ જીવનને જોખમમાં મૂકતા મેન્યુઅલ ક્લીનિંગ પર સંપૂર્ણ પ્રતિબંધનું પુનરોચ્ચાર કરવામાં આવ્યું.
બેઠકમાં સાથે જ સફાઈ કામદારો માટે ધિરાણ અને કલ્યાણ યોજનાઓ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતોનું વ્યાપક પ્રચાર-પ્રસાર થઇ શકે તે માટે તંત્રને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી.
સમિતિએ ખાતરી વ્યક્ત કરી કે સફાઈ કર્મચારીઓના માન-સન્માન, સુરક્ષા અને સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને તમામ વિભાગોએ સંકલિત રીતે કાર્ય કરવું જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR