


મહેસાણા, 4 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામમાં આવેલું પૌરાણિક વિઘ્નહર્તા ગણપતિ મંદિર ઉત્તર ગુજરાતમાં આસ્થાનું જીવંત પ્રતિક છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ મંદિર અંદાજે 200 વર્ષથી વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. વડીલો કહે છે કે તેમના “વડવાઓના વડવાઓના સમયથી” અહીં આ મંદિર અડગ ઉભું છે અને ગાયકવાડ સરકારના યુગમાં તેની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે.
શરૂઆતમાં અહીં નાનું કાચું મંદિરસ્થાન હતું, પરંતુ સમય જતાં ગામજનો અને ભક્તોના સહયોગથી તેનું રીનોવેશન થયું અને આજે તે ભવ્ય સ્વરૂપમાં દેખાય છે. મંદિરની વિશેષતા તેની પ્રાચીન પથ્થરની ગણપતિ મૂર્તિ છે, જેને ડાબી સૂંઢ ધરાવવા માટે વિશેષ શુભ અને વિઘ્નહરણકારી માનવામાં આવે છે. સાથે મૂષકરાજ અને રિદ્ધિ–સિદ્ધિની મૂર્તિઓ મંદિરની પૌરાણિકતા વધારી આપે છે.
મંદિરના ટ્રસ્ટી કહે છે કે ગામનું નામ પણ ગણેશજી પરથી પડ્યું હોવાનું વડીલો જણાવે છે. સાબરમતી નદીની નજીક હોવાના કારણે અહીંનું વાતાવરણ અત્યંત પવિત્ર અને પ્રાકૃતિક લાગે છે. ગણેશ ચતુર્થી અને અંધારી સંકટ ચોથના દિવસે અહીં હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. લાડુ–મોદકની પ્રસાદી અને લોકોની અડગ શ્રદ્ધા આ સ્થળને વિશેષ બનાવે છે.
આ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ ગામના સામાજિક જીવનનું હૃદય છે. પ્રકૃતિની વચ્ચે સ્થિત આ પૌરાણિક સ્થાન આજે પણ ગણેશપુરા ગામનો ગૌરવમય વારસો બની ઉભું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR