
સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.)-શહેરના વેસુ વિસ્તારમાં ઓમ આઇકોનિક બિલ્ડીંગ પાસે આવેલ કોમ્પલેક્ષમાં રહેતી પરણીતા ઘરે કપડાં બદલતી હતી ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમનો નિર્વસ્ત્ર વિડીયો ઉતારી લીધો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેને બદનામ કરી હતી. જેથી આખરે પરણીતાના પતિએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
શહેરમાં ઘણીવાર લોકો ઘરના દરવાજા કે બારી બારણા ખુલ્લા રાખી કપડા બદલતા હોય છે. જો કે તેને કારણે તેઓ ઘણીવાર શ્રોભજનક સ્થિતિમાં પણ મુકાઈ જતા હોય છે અને પારાવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. ભૂતકાળમાં પણ એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે મહિલા કે યુવતી ઘરમાં કપડાં બદલતી હોય અને કોઈ અજાણ્યા વ્યક્તિઓ બહારથી તેમના વિડીયો ઉતારી તેમને બ્લેકમેઈલ કરી પૈસા પડાવે છે અથવા તો શારીરિક માંગણીઓ કરતા હોય છે. જોકે આવો જ એક કિસ્સો હવે વેસુ વિસ્તારમાં પણ સામે આવ્યો છે. શહેરના વેસુ વિસ્તારમાં ઓમ આઇકોનિક સામે પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં વસવાટ કરતી પરણીતા પોતાના ઘરમાં કપડાં બદલતી હતી. આ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ પરણીતા તમામ કપડા ઉતારતી હોય તેવો નિર્વસ્ત્ર વિડીયો ઉતારી લીધો હતો અને આ વિડીયો તેમણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તથા થ્રેડ્સ સહિતના સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જેના કારણે આખરે પરણીતાએ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. બનાવને પગલે આખરે તેના પતિએ આ મામલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે