જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં, ચામડીના ગંભીર રોગથી પીડાતી યુવતીનો સફળ ઈલાજ થયો
જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્રની આરોગ્ય સેવાનો આધારસ્તંભ ગણાતી, રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોબિંદસિંગ સરકારી હૉસ્પિટલ, જામનગરના તબીબી જગતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હૉસ્પિટલના સ્કિન વિભાગે એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડી
જી.જી.હોસ્પિટલમાં ઈલાજ


જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્રની આરોગ્ય સેવાનો આધારસ્તંભ ગણાતી, રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોબિંદસિંગ સરકારી હૉસ્પિટલ, જામનગરના તબીબી જગતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હૉસ્પિટલના સ્કિન વિભાગે એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડીના રોગ (SJS-TEN સિન્ડ્રોમ)થી પીડિત યુવતીનો સફળતાપૂર્વક ઈલાજ કરીને તેને નવજીવન બક્ષ્યું છે.

પોરબંદરની ૨૦ વર્ષીય યુવતીને સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમની ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી, જે ઝડપથી વધુ જીવલેણ એવી ટૉક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (Toxic Epidermal Necrolysis – TEN) નામની બીમારીમાં રૂપાંતરિત થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ દુર્લભ અને જીવલેણ સ્થિતિનું કારણ દર્દીને આપવામાં આવેલી કાર્બામાઝેપીને નામની દવા હતી, જે એક ગંભીર એલર્જીક પ્રતિક્રિયા રૂપે ચામડી પર વિનાશક અસર દર્શાવી શકે છે.

TEN માં ત્વચાનું ઉપરનું રક્ષણાત્મક સ્તર છૂટું પડી જાય છે, જે ગંભીર દાઝવા જેવી પરિસ્થિતિ સર્જે છે. આના કારણે ડિહાઇડ્રેશન, પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ અને સૌથી ગંભીર લોહીનો ઝેરી ચેપ જેવી જીવલેણ જટિલતાઓ ઊભી થાય છે.

સ્કિન વિભાગના પ્રોફેસર અને વડા ડો.દેવલ વોરાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે યુવતીની તરત જ આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે સારવાર ચાલુ કરી. સહાયક પ્રોફેસર ડો. કાજોમી શિંગાળા, સીનિયર રેસિડેન્ટસ અને જુનિયર રેસિડેન્ટસ ડોક્ટરોની ટીમે દિવસ-રાત દર્દીની દેખરેખ રાખી અને દર્દીને હાઇ ડોસ IVIG (ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબુમિન), કેપ્સ્યુલ સાયક્લોસ્પોરિન, હાયર એન્ટીબાયોટિક્સ, પ્રવાહી ઉપચાર, અને નિયમિત ડ્રેસિંગ જેવી મોંઘી અને જટિલ સારવાર તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવી.

ડીન ડો.નંદીની દેસાઈ અને હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.દીપક તિવારીના ત્વરિત સહયોગથી તાત્કાલિક IVIG ઉપલબ્ધ થયું, જે સારવારની સફળતા માટે નિર્ણાયક સાબિત થયું. આશરે ૨૦ દિવસની સતત અને સઘન સારવાર બાદ દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

યુવતી હવે કોઈપણ ગંભીર જટિલતા વગર સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી રજા મેળવી ચૂકી છે અને સામાન્ય જીવન તરફ પાછી ફરી છે. દર્દીના પરિવારજનોએ જી.જી. હૉસ્પિટલની તબીબી ટીમના કુશળ પ્રયાસો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande