

મહેસાણા, 4 ડિસેમ્બર (હિ.સ.) : ઊંઝા નજીક ઉનાવા હાઈવે પર આવેલ ઐઠોર ચોકડી પાસે આજે સવારે બનેલી ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાએ વિસ્તારમાં શોક ફેલાવ્યો છે. એક્ટિવા પર જઈ રહેલા દંપતીને પૂરઝડપે આવી રહેલ પીકઅપ ડાલાએ જોરદાર ટક્કર મારતાં બંને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે પુરુષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે મહિલાને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ દંપતી કોઈ કામસર ઊંઝા તરફ જઈ રહ્યું હતું. એ દરમિયાન ઐઠોર ચોકડી પાસે પીકઅપ ડાલાના બેફામ ઝડપથી નિયંત્રણ ગુમાવતાં અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે લોકો ચોખ્ખા થઈ જતા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પહોંચતા જ મહિલાને ગંભીર હાલતમાં ઊંઝા હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાંથી વધુ સારી સારવાર માટે તેને રિફર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. અપઘાત બાદ પીકઅપ ડાલાનો ચાલક ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક વિગતોમાંથી સામે આવ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સીસીટિવી ફૂટેજના આધારે ચાલકની ઓળખ માટે પગલાં ભર્યાં છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઐઠોર ચોકડી વિસ્તારમાં વાહનોની બેફામ ઝડપ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે. આજની ઘટના ફરી એકવાર અહીં સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR