
પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લા ભાજપ જણાવ્યા મુજબ પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હંમેશા પ્રજાના પ્રશ્નો માટે જાગૃત રહ્યા છે. જનતા સાથે સીધો સંવાદ સાધવા અને તેમના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે આગામી શનિવારના રોજ પોરબંદર અને બગવદર ખાતે એક વિશેષ ‘લોક દરબાર'નું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી એ યાદીમાં જણાવ્યું છે કે, લોકશાહીમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ જ સાચા જનપ્રતિનિધિનું કર્તવ્ય છે. આ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહીને લોકોની રજુઆતો સાંભળશે.
આ લોક દરબારનું આયોજન તા. 6-12-2025 ને શનિવારના રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલભવન ખાતે યોજાશે તેમજ બગવદર ખાતે સાંજે 5:00 થી 6:00 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે.
બગવદર ગ્રામ પંચાયતની કચેરી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સરળતાથી ભાગ લઈ શકશે. પોરબંદર વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેમને સ્પર્શતા કોઈપણ વ્યક્તિગત કે સામુદાયિક પ્રશ્નો હોય, તો તેઓ નિઃ સંકોચપણે આ લોક દરબારમાં રજુ કરી શકે છે. મંત્રી ખુદ લોકોની વચ્ચે બેસીને તેમની સમસ્યાઓ સાંભળશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર પ્રશ્નો સાંભળવાનો જ નથી, પરંતુ તેનું યોગ્ય નિરાકરણ લાવવાનો છે.લોક દરબારમાં રજુ થનાર પ્રશ્નોના ઉકેલ માટે કેબિનેટ મંત્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ અને તંત્રને જરૂરી સુચનાઓ આપવામાં આવશે, જેથી લોકોની સમસ્યાનો ઝડપી નિકાલ આવી શકે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ ખાસ ભારપુર્વક જણાવ્યું છે કે, આપણા નેતા જ્યારે પ્રજાના દ્વારે આવી રહ્યા હોય ત્યારે વધુને વધુ લોકો આ લોક દરબારમાં ઉપસ્થિત રહે અને લોકશાહીની આ પ્રક્રિયાનો લાભ લે. આ લોક દરબારમાં નાનામાં નાના માણસનો અવાજ સાંભળવામાં આવશે. ગ્રામ્ય સ્તરના વિકાસના કામો હોય કે અન્ય કોઈ વહીવટી મુશ્કેલીઓ, તમામ રજુઆતોને અહીં સ્થાન આપવામાં આવશે. તેથી, પોરબંદર વિધાનસભા વિસ્તારના તમામ જાગૃત નાગરિકોને સમયસર ભાજપ કાર્યાલય તથા બગવદર ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમ, શનિવારની સવારે અને સાંજે યોજાનાર આ લોક દરબાર પ્રજા અને સરકાર વચ્ચેના સેતુ સમાન બની રહેશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya