


- વડગામ સહિત ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા:- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી- સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે: વડગામ વિસ્તારનો વિકાસ કરવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યરત:- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
- વડગામમાં 4 કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી કાર્યરત: વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હવે ઘરઆંગણે કરી શકશે
- 20 હજાર પુસ્તકોની ક્ષમતા સાથે 169 બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઉભી કરાઈ
પાલનપુર,4 ડિસેમ્બર (હિ.સ.) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ લાઇબ્રેરી ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની તૈયારીઓ કરી શકે તે માટે તમામ સુવિધાઓ ઉભી કરવા કટિબધ્ધ છે. સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે. વડગામનો વિકાસ કરવા માટે ભુપેન્દ્ર પટેલની સરકાર સતત કામ કરી રહી છે. આ લાઇબ્રેરી થકી અહીંના સ્થાનિક યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે હેતુસર સરકાર દ્વારા વડગામ ખાતે 698.05 ચો.મી.જમીન પર અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે. આ લાઇબ્રેરી ખાતે કુલ 169 વિદ્યાર્થીઓને બેસવાના ક્ષમતાવાળી G+1 ઈમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ- અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા 20 હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામનાર આ લાઇબ્રેરી થકી વડગામ આજુબાજુના વિસ્તારના વિધાર્થીઓ માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે.શિક્ષણ ક્ષેત્રની આ સુવિધા થકી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ