


પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નાટ્ય પ્રસ્તુતિ યોજાઈ હતી. ગુજરાત રાજ્યના રમતગમત અને સંસ્કૃતિ વિભાગ તથા સંગીત નાટક અકાદમીના સહયોગથી આયોજિત આ નાટકમાં સરદાર પટેલના બાળપણથી લઈને ભારતની આઝાદીની લડત સુધીની જીવનયાત્રા દર્શાવવામાં આવી હતી.
આ પ્રસ્તુતિ સિદ્ધપુરની નર્સિંગ કોલેજના હોલમાં યોજાઈ હતી, જેમાં તેમના બાળપણના સંઘર્ષો, દેશની આઝાદીમાં આપેલ યોગદાન અને તેમના મહત્વપૂર્ણ નિર્ણયોની ઝાંખી રજૂ કરવામાં આવી. શહેરના મહાનુભાવો, નગરજનો, સિનિયર સિટીઝનો, ઇનર વ્હીલ ક્લબના સભ્યો, ભાજપ આગેવાનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સહિત રેડ ક્રોસ અને નર્સિંગ કોલેજના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે થયું. રેડ ક્રોસ સોસાયટી પોરબંદરના ત્રિલોકભાઈ ઠાકરે આ નાટક સિદ્ધપુરમાં યોજવામાં વિશેષ ફાળો આપ્યો હતો. અંતે ત્રિલોકભાઈ ઠાકર અને નાટકના કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ