
- બગીચાના આધુનિકીકરણથી લઈને યોગ સ્ટુડિયો, રમતગમત ઝોન અને ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લાવશે નાગરિકોના રોજિંદા જીવનમાં સકારાત્મક પરિવર્તનની લહેર.
ગાંધીનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરવાસીઓને અંદાજે 68 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળશે. કેન્દ્રીય મંત્રીના હસ્તે ગાંધીનગર શહેરમાં કુલ પાંચ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાઓમાં વૃદ્ધિ, હરિયાળી અને આધુનિક માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આ તમામ પ્રોજેક્ટ માઇલસ્ટોન પુરવાર થશે. બગીચાના આધુનિકીકરણથી લઈને યોગ સ્ટુડિયો, રમતગમત ઝોન અને ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટો નાગરિકોના રોજિંદા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
આ વિકાસકાર્યોમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7196 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા સેક્ટર ૨૨ના બગીચાનું રૂ. 2.48 કરોડના ખર્ચે આધુનિકીકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 5,100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોકવે, કસરત સાધનો, બાળકોના રમકડાં, યુજી ટાંકી, શૌચાલય અને અન્ય સુવિધાઓ સાથે બગીચાનું નવું રૂપ નાગરિકોને આરોગ્ય, યોગ અને પ્રકૃતિનો ઉત્તમ સમન્વય આપશે. આ પ્રોજેક્ટનો સીધો લાભ આશરે 75,000 નાગરિકોને મળશે. સેક્ટર 22મા જ રૂ. 1.31 કરોડના ખર્ચે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળે તે હેતુસર 50 વ્યક્તિ ક્ષમતા ધરાવતા આધુનિક યોગ હોલ સાથે લોકર રૂમ, ચેન્જિંગ રૂમ, શૌચાલય અને વોટર કૂલરની સુવિધાઓ ધરાવતા યોગ સ્ટુડિયોનું નિર્માણ પૂર્ણ થયું છે. વૃદ્ધો તેમજ સ્થાનિક રહેવાસીઓ માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનની પ્રવૃત્તિઓ માટે ઉત્તમ સ્થળનો લાભ આશરે 1,000 લોકોને મળશે.
ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સેક્ટર 27મા રૂ. 3.26 કરોડના ખર્ચે 12,412 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા જૂના પાર્કને ઉચ્ચ સ્તરીય આધુનિક સુવિધાઓ સાથે પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. 9,300 ચો.મી. ગ્રીન એરિયા, 618 મીટર વોકવે, 140 મીટર એક્યુપ્રેશર પાથ, એમ્ફીથિયેટર, સ્ટેજ, યોગ પ્લેટફોર્મ, CCTV અને રમતગમત સાધનો સહિતની સુવિધાઓ નાગરિકોને આરોગ્ય અને મનોરંજન માટે ઉત્તમ માહોલ પૂરો પાડશે. આશરે 70,000 નાગરિકોને સીધો લાભ મળશે.
રેલ્વે ઓવરબ્રિજ નીચે રમતગમત વિસ્તારનો વિકાસ કામોનું રૂ. 2.7 કરોડના ખર્ચે રોડ નં. 06, LC-11C ખાતે ઓવરબ્રિજ નીચેના અપ્રયોજ્ય વિસ્તારને ઉપયોગી બનાવતાં પિકલબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી આઉટડોર રમતો તથા ટેબલ ટેનિસ, ચેસ, કેરમ જેવી ઇન્ડોર રમતોનો આધુનિક રમતગમત ઝોન વિકસાવવામાં આવ્યો છે. શહેરના યુવા રમતવીરો માટે આ વિસ્તાર પ્રતિભા વિકસાવવાનો ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે. આશરે 500 નાગરિકોને લાભ પ્રાપ્ત થશે.
કોલાવડા–ગાંધીનગર વચ્ચે ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ રૂ. 58.17 કરોડના ખર્ચે રોડ નં. 06 LC-11c પર 698 મીટર લાંબો અને 16 મીટર પહોળો ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ ખ–6થી 309 મીટર તથા ક–6 સર્કલથી 326 મીટર લાંબા એપ્રોચ રોડ સાથે તૈયાર થયો છે. ખોડિયાર–ગાંધીનગર સેક્શન પર આવેલા આ ROB થી શહેર, કલોલ, કોલવડા, રાંધેજા, વાવોલ, માણસા–મહેસાણા હાઇવે અને GIDC વિસ્તારોને ઝડપી અને સલામત કનેક્ટિવિટી મળશે. લેવલ ક્રોસિંગ પર થતી ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને સુગમતા મળી રહેશે.
આ પાંચેય પ્રોજેક્ટ ગાંધીનગરને સુવ્યવસ્થિત, હરિયાળું, સ્વસ્થ અને આધુનિક સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. નાગરિકોની સુખાકારી, સલામતી અને ગુણવત્તાયુક્ત જીવનશૈલીને કેન્દ્રમાં રાખીને નિર્માણ કરવામાં આવેલા આ વિકાસ કાર્યો શહેરના પ્રગતિપથને નવી દિશા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ