
ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) અકસ્માત હોય કે હોય કોઈ આફતની પળ, કોઈપણ કટોકટીની પળમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ત્વરીત પહોંચીને લોકોના જીવ બચાવવામાં સિંહફાળો આપી રહી છે. ૧૦૮ એમ્બ્યૂલન્સના કર્મચારીઓ પણ દિવસ-રાત ખડેપગે પોતાની સેવા બજાવી રહ્યાં છે. આ સેવામાં પ્રામાણિકતાની સુગંધ ભેળવીને ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીએ પોતાની કર્મનિષ્ઠતા દર્શાવી છે.
ઘટના એવી બની હતી કે, કાલે રાત્રીના અંદાજે સાડા આઠ વાગ્યે ગીર સોમનાથ જિલ્લાના ઉનાના શિલોજ ગામ પાસે અકસ્માત થયો હતો. જેની ત્વરીત ૧૦૮ હેલ્પલાઈનને કોલ કરી જાણ કરવામાં આવી હતી. કૉલ મળતાં જ એમ્બ્યુલન્સ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને દર્દીની તપાસ કરતા જાણ થઈ હતી કે, દર્દીની ઉંમર ૩૨ વર્ષની છે અને તેમને તાત્કાલીક મેહતા હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં.
ફરજ પર હાજર ઇ.એમ.ટી. ખંભાતા મયૂર અને પાયલોટ ભાવેશ સોલંકીએ, દર્દીનો કિંમતી સામાન જેમાં રૂ.૮૦૦૦ રોકડ, ચાંદીની ઝાંઝર, ૨ ગોલ્ડન સેટ, ૩ તોલા બંગડી, ૨ તોલાની સોનાની વીંટી, ૧ મોબાઈલ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ દર્દીના સંબંધીને પરત આપ્યાં હતાં.
આ તમામ વસ્તુઓની કિંમત અંદાજીત રૂ. છ લાખ જેવી થાય છે. કટોકટીની પળોમાં ઉના ૧૦૮ કર્મચારીઓએ સેવા સાથે પ્રામાણિકતાનું ઉદાહરણ પુરુ પાડતાં દર્દીઓના સગાસંબંધીઓઓ આભાર વ્યક્ત કયૉ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ