
- ઈ-મેઈલ મળતા બોમ્બ અને ડોગ સ્ક્વોડ પહોંચી - હાઈકોર્ટ્ટનું કામ રાબેતા મુજબ ચાલુ
અમદાવાદ, 4 ડિસેમ્બર (હિ.સ.) આ વર્ષમાં ત્રીજી વખત અગાઉ 9 જૂન અને 20 ઓગસ્ટે પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બની ધમકી મળી હતી. આજે ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા દોડધામ મચી છે. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ત્યારે જ હાઈકોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ હાઈકોર્ટ પહોંચી છે. તો બીજી તરફ હાઈકોર્ટનું કામ રાબેતા મુજબ ચાલુ છે.
અગાઉ 20 ઓગસ્ટના રોજ પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો હાઈકોર્ટને ઇ-મેલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી હતી. BDDS સહિતની તમામ ટીમ તપાસમાં જોડાઈ હતી. તપાસના અંતે કોર્ટમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોંતી.
અગાઉ 9 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાઈકોર્ટના ઇ-મેલ પર અજાણી વ્યક્તિએ ઇ-મેલ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે રિસેસ બાદ હાઈકોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ