
અમદાવાદ,4 ડિસેમ્બર (હિ.સ.) આ વખતે ભારતને 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે . જેની તૈયારી પુર જોશમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદના સિંધુભવન રોડ ઉપર અમદાવાદના આંગણે યોજાશે કોમનવેલ્થ ગેમ્સના 100 માં વરસની ઉજવણીને લઈને લગાવવામાં આવેલા હોર્ડિંગસથી દુર્ઘટના બની છે. સિંધુ ભવન રોડ ઉપર લગાવવામાં આવેલું હોર્ડિંગ્સ રોડ પરથી પસાર થતાં મોપેડચાલક દંપતી પર પડતા તેમને ઇજા થઈ હતી. આ સાથે જ તેમના ઇલેક્ટ્રીક મોપેડને પણ નુકસાન થયું છે.
આ અંગેની વિગત એવી છે કે, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ચંદ્રેશ કુમાવત તેમના પત્ની મિતાલી કુમાવત બોપલ ખાતે હોસ્પિટલથી પોતાના ઘરે જવા માટે સિંધુભવન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. સિંધુભવન રોડ પર એસપી રિંગ રોડથી ટાઈમ સ્ક્વેર ચાર રસ્તા પહેલા કોમનવેલ્થ ગેમ્સને આવકારતું હોર્ડિંગ્સ લગાવવામાં આવેલું હતું, જે અચાનક જ આ દંપતી ઉપર પડ્યું હતું.
આ મામલે ભોગ બનનાર ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, અચાનક જ હોર્ડિંગ્સ અમારા ઉપર પડ્યું હતું, જેના કારણે હું અને મારા પત્ની બંને જણા નીચે પડી જતા બન્નેને ઈજા થઈ હતી. બંનેને હાથે અને પગે છોલાઈ ગયું છે. અમારાા ઈલેક્ટ્રીક મોપેડમાં પણ નુકસાન થયું છે. આ હોર્ડિંગ્સ સ્પષ્ટ બેદરકારી છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે ફરિયાદ કરીશું. આ ગંભીર બેદરકારી કોઈપણ વ્યક્તિના જીવને જોખમમાં મુકી શકે છે.
સિંધુભવન રોડ ઉપર શોપિંગ ફેસ્ટિવલ અને કોમનવેલ્થ ગેમ્સને આવકારતા હોર્ડિંગ્સ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા છે, પરંતુ આ હોર્ડિંગ્સ નાગરિકો માટે જીવના જોખમ બન્યા છે. એક હોર્ડિંગ્સ દંપતિ ઉપર પડતા તેમને ઈજા થઈ છે, જ્યારે બીજું હોર્ડિંગ્સ પણ ભયજનક બની ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ