

જામનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬ અંતર્ગત હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ (EF) પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં જેમાં જામનગર જિલ્લામાં સમાવિષ્ટ ૮૦- જામજોધપુર વિધાનસભા મતવિભાગના ભાગ નં.૨ના ૨૧૫- ગીંગણીના બીએલઓ અજયભાઈ વરસાંકિયાએ અન્ય બીએલઓને સોંપવામાં આવેલ ચાર્જ પોતે સંભાળી તેમની કામગીરી ૧૦૦% પૂર્ણ કરી છે.
તેઓએ માત્ર એક મતદારનું મેપિંગ કરવા માટે કર્નાટક રાજ્ય માંથી એક બીએલઓનો સંપર્ક કરી જામનગરમાં રહેતા મતદારની માતાનું નામ વર્ષ ૨૦૦૨ની યાદીમાં શોધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમની આ સરાહનીય કામગીરીની પ્રસંશા કરી જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠકકર દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
અજયભાઈ વરસાંકિયા જણાવે છે કે, હું બીએલઓ તરીકે ફરજ નિભાવુ છું. મારા ગામના એક શિક્ષિકાને બીએલઓનો ચાર્જ મળ્યો જોય પરંતુ તેમને નાનું બાળક હોવાથી તેમનો ચાર્જ મેં સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો. મારે ગણતરી ફોર્મની કામગીરીમાં ૧૦૪૭ મતદારો હતા. જે ૧૦૦% ડિજિટાઇઝ થઈ ગયા છે.
મેપિંગની કામગીરી દરમિયાન ત્રણ મતદારો મહારાષ્ટ્રના હતા માટે મેં મહારાષ્ટ્રની મતદારયાદી ડાઉનલોડ કરી અને તેમને EPIC નંબર પરથી જરૂરી માહિતી મેળવી લીધી હતી.
આ ઉપરાંત કર્ણાટકના એક મતદારનું મેપિંગ કરવા માટે મેં કર્ણાટકની મતદાર યાદી ડાઉનલોડ કરી પરંતુ તે કન્નડ ભાષા હોવાથી સમજણ ન પડી. ત્યારબાદ ઇ.સી.આઇ.ની વેબસાઇટ પર જઈ મતદારની માતાના ચૂંટણીકાર્ડની વિગતો મેળવી તેમના બીલઓનો સંપર્ક સાધ્યો. તેઓ કન્નડ ભાષા બોલતા હોય અને હિન્દી સમજતા ન હોવાથી અંગ્રેજીમાં તેમની સાથે સંવાદ કર્યો. અને જામનગરમાં રહેતા મતદારની માતાનો વર્ષ ૨૦૦૨ની યાદીમાંથી નંબર મેળવી મેપિંગની કામગીરી મેં ૧૦૦% પૂર્ણ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt