
સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) શહેરના લસકાણા વિસ્તારમાં આવેલ નવજીવનથી ગઢપુર રોડ પર રહેતા યુવકે ગતરોજ સોશિયલ મીડિયામાં જાણીતી ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કીર્તિ પટેલે તેમને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં કોલ કરી તેને અને તેની પત્નીને એલફેલ ગાળો આપી ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે લસકાણા નવજીવનથી ગઢપુર રોડ પર નીલકંઠ લક્ઝરીયામાં રહેતા અલ્પેશકુમાર બાબુભાઈ પટેલે ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અલ્પેશ કુમારે જણાવ્યું હતું કે 4/11/2025 ના રોજ બપોરે 1:00 વાગ્યાના અરસામાં બે અલગ અલગ વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કોલિંગ પર સામાન્ય વાતચીત કરતા હતા. આ દરમિયાન તેઓએ અલ્પેશ પટેલ ને પણ કોલિંગમાં એડ કરી દીધા હતા. જેથી તેઓ પણ તેમની સાથે વાતચીતમાં જોડાયા હતા. આ સમયે જેનીસ નામના એક યુવકે ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ વિશે એલફેલ બોલવા લાગ્યો હતો અને અલ્પેશ પટેલ માત્ર વાતો સાંભળતા હતા. જોકે ત્યારબાદ બપોરે 1:45 વાગ્યાના અરસામાં કીર્તિ પટેલે તેમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી અલ્પેશ પટેલને કોલ કરીને બીભસ્ત ભાષામાં ધમકીઓ આપી હતી. એટલું જ નહીં પરંતુ તેમની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ધમકી આપી હતી અને કીર્તિ પટેલે જણાવ્યું હતું કે લાઈવ દરમિયાન મારા વિશે એલફેલ કેમ સાંભળી લીધું. કેમ કંઈ બોલેલ નહીં તેવું કહીને તેની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી પોસ્ટને વાયરલ કરી હતી અને મેસેજ કરીને પણ ધમકી આપી હતી. જેથી આખરે અલ્પેશ પટેલની ફરિયાદના આધારે પોલીસે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે