
સુરત, 4 ડિસેમ્બર (હિ.સ.) વરાછા હીરાબજારમાં ઓફિસ ધરાવતા હીરા વેપારી પાસેથી લાખાણી પિતા-પુત્રોએ 36 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવવાનો વિશ્વાસ અને ભરોસો આપી રૂપિયા 37.80 લાખનો નેચરલ પોલીશ્ડ હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચૂકવી ચુનો ચોપડ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વેડરોડ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પંકજ કાનજીભાઈ ગોળકીયા વરાછા હીરા બજારમાં વર્ષોથી હીરાનો વેપાર કરે છે. તેમની પાસેથી ગત તા 28 જાન્યુઆરીના રોજ મહીધરપુરા જદાખાડીમાં ભાગીદારીમાં હીરાનો ધંધો કરતા મહેશ ધનજીભાઈ લાખાણી, જૈમીન મહેશ લાખાણી અને તરૂણ તળશીભાઈ જાસોલીયા એ 36 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી રૂપિયા 37,80,546ની મત્તાના 166.24 કેરેટના નેચરલ પોલીશ્ડ હીરાનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં લાખાણી પિતા-પુત્ર અને તેના ભાગીદારે હીરાના માલનું પેમેન્ટ નહી કરતા પંકજભાઈએ તેમની પાસે પેમેન્ટની માંગણી કરતા શરૂઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઓફિસ બંધ કરી ભાગી ગયા હતા. બનાવ અંગે પંકજ ગોળકીયાએ ગતરોજ ફરિયાદ નોધાવતા મહિધરપુરા પોલીસે લાખાણી પિતા-પુત્ર અને તેમના ભાગીદાર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી મહેશ લાખાણી અને જૈમીન લાખાણીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં આરોપી મહેશ લાખાણી સામે અગાઉ પણ કતારગામ, ક્રાઈમ બ્રાન્ચ અને પાલ પોલીસ મથકમાં ગુના નોધાયેલા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે