

મહેસાણા, 4 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. મગફળીનો પાક બગડ્યા બાદ હવે બટાકાના વાવેતરમાં પણ 20 થી 25 દિવસનો લેટ થતા આર્થિક નુકસાનની આશંકા ઊભી થઈ છે. સામાન્ય રીતે 25 Octoberથી બટાકાનું વાવેતર શરૂ થઈ જાય છે, પરંતુ અસમયે વરસાદને કારણે ઘણાં ખેડૂતોને 15 થી 17 November પછી જ વાવણી શરૂ કરવાની ફરજ પડી. ડિસેમ્બર સુધી પણ કેટલાક ખેડૂતો વાવેતર કરી રહ્યા છે.
વિજાપુરના રણસીપુર, સરદારપુર, ટેચાવા, કોટ, રામપુર કોટ સહિતના ગામોમાં “સંતાના” જાતના વેફર બટાકાનું મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટ હેઠળ વાવેતર થાય છે. આ જાતના બિયારણનો ભાવ ₹1650 અને ₹1575 હોવાથી બિયારણ મોંઘું અને વાવેતર મોડું — બન્ને પરિસ્થિતિઓ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.
ખેડૂત રિધમભાઈ નિલેશકુમારના જણાવ્યા મુજબ સમયસર વાવણી થાય તો એક વીઘામાંથી 450 મણ ઉત્પાદન મળે છે, પરંતુ આ વર્ષે લેટ પડવાથી ઉત્પાદન માત્ર 300 મણ સુધી રહી શકે છે. એટલે કે એક વીઘામાં 100 થી 150 મણ ઓછું ઉત્પાદન મળવાની પૂરી શક્યતા છે. આ ઘટાડાથી ખેડૂતોને એક વીઘામાં અંદાજે ₹25,000 સુધીનું નુકસાન થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
લેટ વાવણીને કારણે રોગ–જીવાતનો ખતરો પણ વધી રહ્યો છે. જમીનમાં વધારે ભીનાશ, તાપમાનમાં ફેરફાર અને ગ્રોથ ચક્ર મોડું પડતાં બટાકામાં ફૂગજન્ય રોગો તથા પાનકીડ જેવા જીવાતો વધવાની શક્યતા છે, જેના કારણે દવાનો વધારાનો ખર્ચ ખેડૂતને સહન કરવો પડશે.
કુલ મળીને, વિજાપુર વિસ્તારના ખેડૂતો માટે આ વર્ષે સીઝન પડકારજનક બની છે. મગફળીમાં નુકસાન બાદ બટાકામાં પણ ફટકો લાગતા ખેડૂતોની ચિંતા વધી છે. હવે તેમની એક જ આશા છે કે ભાવિ હવામાન સ્થિર રહે અને પાક ઓછામાં ઓછા નુકસાન સાથે તૈયાર થઈ જાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR