પોરબંદર જિલ્લાને બે નવા પશુ દવાખાનાની મળી ભેટ
પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પશુપાલકો માટે એક અત્યંત આનંદના સમાચાર આવ્યા છે. પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સતત પ્રયાસો અને રજૂઆતોના ફળસ્વરૂપે રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં બે નવા સ્થ
પોરબંદર જિલ્લાને બે નવા પશુ દવાખાનાની મળી ભેટ


પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પશુપાલકો માટે એક અત્યંત આનંદના સમાચાર આવ્યા છે. પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સતત પ્રયાસો અને રજૂઆતોના ફળસ્વરૂપે રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં બે નવા સ્થાયી પશુ દવાખાના શરૂ કરવા માટે મંજૂરીની મહોર મારી છે. આ નિર્ણયથી સમગ્ર પંથકના પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા હંમેશા ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કાર્યરત રહ્યા છે. તેમણે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુ સારવારની સુવિધાઓ વધારવા માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરી હતી. તેમની આ જહેમતને કારણે બરડા પંથક અને બારાડી પંથક જેવા મહત્વના વિસ્તારોને કાયમી પશુ દવાખાનાની ભેટ મળી છે. મંજૂર થયેલા આ બે દવાખાના પૈકી એક પશુ દવાખાનું બારાડી પંથકના મહત્વના ગામ એવા કુછડી ખાતે સ્થાપવામાં આવશે, જ્યારે બીજું દવાખાનું બરડા પંથકના બખરલા ગામે કાર્યરત થશે. આ બંને સ્થળો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના હોવાથી આસપાસના અનેક ગામોના પશુપાલકોને તેનો સીધો લાભ મળશે.

અત્યાર સુધી આ વિસ્તારના પશુપાલકોને પોતાના બીમાર પશુઓની સારવાર માટે દૂર સુધી જવું પડતું હતું અથવા અપૂરતી સુવિધાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે કુછડી અને બખરલામાં જ અદ્યતન અને સ્થાયી પશુ દવાખાના શરૂ થવાથી પશુઓને ઘરઆંગણે જ તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહેશે, જે પશુધનને બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પોરબંદર જિલ્લો પશુપાલન ક્ષેત્રે અગ્રેસર છે અને અહીં મોટી સંખ્યામાં માલધારી સમાજ તથા ખેડૂતો પશુપાલન પર નિર્ભર છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય પશુઓના આરોગ્યની જાળવણી અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. મંત્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે પશુપાલકોની લાંબા સમયની માંગણી સંતોષાઈ છે. સ્થાનિક અગ્રણીઓ અને પશુપાલકોએ જણાવ્યું હતું કે, અર્જુનભાઈ મોઢવાડિયાએ પશુઓની પીડા સમજીને જે સંવેદનશીલતા દાખવી છે તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. બખરલા અને કુછડી જેવા સેન્ટર પોઈન્ટ પર દવાખાના મંજૂર કરાવીને તેમણે પશુપાલકોની મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવ્યો છે.આ નિર્ણયને પગલે કુછડી, બખરલા તથા આસપાસના બરડા અને બારાડી વિસ્તારના ગ્રામજનોએ રાજ્ય સરકાર અને ખાસ કરીને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો જાહેર આભાર માન્યો છે. લોકોએ ઉત્સાહભેર જણાવ્યું છે કે આ સુવિધાથી પશુપાલન વ્યવસાયને નવો વેગ મળશે.આમ, પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ એવા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં વધુ એક જનહિતકારી કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું છે, જેનો લાભઆવનારા સમયમાં હજારો અબોલ જીવોને મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande