
પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુર તાલુકાની પીએમ શ્રી જુના પોરાણા પ્રાથમિક શાળાની અન્ડર-14 બહેનોની ખો-ખો ટીમે પાટણ જિલ્લાના ખેલ મહાકુંભ-2025માં ગોલ્ડ મેડલ જીતી શાળા, ગામ અને તાલુકાનું નામ રોશન કર્યું છે. પ્રથમ સ્થાન મેળવવાથી શાળાનું ગૌરવ વધ્યું છે.
આ વિજય પાછળ શાળાના શિક્ષક અને કોચ જોરાભાઈ ઠાકોરનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે શાળા સમય પછી દરરોજ સાંજે 6 વાગ્યાથી દીકરીઓને સઘન તાલીમ આપી હતી. શાળાના આચાર્ય અને રાધનપુર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ લાલજીભાઈ ચૌધરીએ પણ બાળકોને સતત પ્રોત્સાહન આપ્યું.
દીકરીઓની આ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવાર અને તાલુકામાં આનંદનો માહોલ છે. હવે આ ટીમ ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને પાટણ જિલ્લાનું ગૌરવ વધારશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ