
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવશે.
- ખરીદી પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ
- 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12 હોટસ્પોટ ઝોન બનાવાયા
અમદાવાદ,4 ડિસેમ્બર (હિ.સ.) આ વર્ષે ફરીવાર ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025–26નું આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટસ્પોટ ઝોન બનાવવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરીયા–રામબાગ રોડ, વાસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લૉ ગાર્ડન, મણેકચોક તથા શહેરના અગ્રણી મોલ્સમાં શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમો યોજાશે.
5 ડિસેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવશે.
આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં 8000થી વધુ વેપારીઓ જોડાયા છે, જેમાં રિટેલ સ્ટોર્સ, મોલ્સ, MSMEs, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કારીગરો અને પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પણ શોપિંગ ફેસ્ટિવલને લઈને જાહેરાત કરવામાં આવી છે જેનું કાઉન્ટર પણ ત્યાં રાખવામાં આવશે. વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રાપુર ખાતેનું સ્વદેશી મોલ, કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રદર્શન અને સ્થાનિક કારીગરોની વિશેષ ભાગીદારી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સ પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ મળશે
આ ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સમાં 15 ટકાથી 35 ટકા સુધીના ડિસ્કાઉન્ટ્સ ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે. શોપિંગ ફેસ્ટિવલના સ્થળે અવરજવર કરવા માટે AMTS અને BRTS બસમાં લોકો મફત મુસાફરી કરી શકશે.
હંગ્રીટો, વીકએન્ડ વિન્ડો, ફન બ્લાસ્ટ અને વિવિધ સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમો દરમિયાન શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાઈ જશે. ફૂડ અને કુલિનરી અનુભવ, શોપિંગ તથા આર્ટીઝન માર્કેટ, લાઇવ મ્યુઝિક અને સાંસ્કૃતિક રજૂઆતો, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન્સ અને પારિવારિક મનોરંજન પણ શોપિંગ ફેસ્ટિવલમાં માણી શકશે. વિદેશી પ્રવાસીઓ તથા પ્રવાસીઓ માટે ખાસ તૈયાર કરાયેલા હેરિટેજ વોકિંગ ટૂર્સ અને સિંધુ ભવન રોડ પર આવેલ વેડિંગ શોપિંગ એક્સપિરીયન્સ ઝોન દ્વારા લોકોને વિશેષ અનુભવ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ