


ગાંધીનગર, 4 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના તમામ જિલ્લાના કલેકટર, મહાનગરપાલિકા કમિશનર અને દેવસ્થાનના વહીવટદારઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
રાજ્યના નાગરિકો અને ખાસ કરીને યાત્રાધામો તથા પ્રવાસન સ્થળો પર જતા યાત્રાળુઓને સારામાં સારી પાણીની સુવિધા, યાત્રાળુઓના ધસારાનો અભ્યાસ કરીને આવા સ્થળોએ તે જરૂરિયાત મુજબ પબ્લિક ટોયલેટની સંખ્યા વધારવા અને તે તમામ શૌચાલય નિયમિત નીટ એન્ડ ક્લીન રાખવાની યોજના તૈયાર કરવા, દિવ્યાંગ અને વરિષ્ઠ યાત્રાળુઓ માટે ખાસ સુવિધા ગોઠવવા તેમજ આ તમામ સ્થળો આસપાસની હોટલ, દુકાનો અને લારીઓમાં વેચાતા ફૂડની ગુણવત્તા પર ખાસ ચેકીંગ કરવા જેવા વિષયો પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
રાજ્યના પ્રવાસન સ્થળો અને યાત્રાધામ સ્થળો તથા તેની આસપાસના વિસ્તારોમાં દુકાનો લારીઓ અને હોટલો પર વેચાતા નાસ્તા અને ભોજનની ગુણવત્તા ચકાસણીના મુદ્દા પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાર મુક્યો અને આજે તા. 3 જી ડિસેમ્બરે રાજ્યભરમાં સાંજે 4 વાગે સરપ્રાઈઝ ફૂડ ક્વોલિટી ચેકિંગ સ્ટ્રાઈક કરવા તમામ કલેક્ટર અને મહાનગર પાલિકા કમિશનરોને સૂચના આપી હતી. એટલું જ નહીં, ગુણવત્તામાં ખામી જણાય તેવા તમામ હોટલ, લારીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. દર અઠવાડિયે આ પ્રકારની આકસ્મિક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્યના તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળ ઉપર સ્વચ્છતા રાખવા ઉપરાંત આ સ્થળોને જોડતા તમામ રૂટ પર પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર/ શહેર કમિશનર દ્વારા આકસ્મિક ચેકિંગ સહિતની ડબલ વેરિફિકેશન વ્યવસ્થા ગોઠવવા કડક સુચના આપવામાં આવી. તે ઉપરાંત તમામને સ્વચ્છતા જાળવણી માટે એક ખાસ SOP તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ